Our News Speaks

News for You | News for Everyone.

Today's News

Image

સિહોરમાં ગુનાખોરી ડામવામાં મદદરૂપ થશે સી.સી.ટી.વી. કેમેરા, ત્રીજી આંખ


ટુંક સમયમાં પ્રોજેકટનું અમલીકરણ થશે તેવા સંકેત

સિહોર શહેરમાં પ્રવેશવાના તમામ માર્ગોમાં કેમેરા મુકવાથી ગુનેગારોને ઝડપી લેવામાં પોલીસકર્મીઓને વધુ સરળતા રહેશે

સિહોર: સિહોર શહેરમાં છાસવારે બનતી નાની મોટી ઘટનાઓને રોકવા, ગુનેગારોમાં ભય પેદા કરવા અને ગુના બને તો તેના ઝડપી ઉકેલ માટે આખરે તંત્રએ કમર કસી છે. છેલ્લા કેટલાક સમયથી રહેણાંકીય વિસ્તારોમાં ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે ત્યારે તેના ઉકેલ માટે સ્થાનિક પોલીસને આજુબાજુના મકાનો, બંગલાઓમાં મૂકાયેલા સી.સી.ટી.વી.કેમેરા જ સહાયક સાબિત થઈ રહ્યાં છે . આવા સંજોગોમાં રાજય સરકારે હવે જે તે શહેરના તમામ રહેણાંકીય વિસ્તારમાં પણ આ પ્રોેજેકટ ફરજિયાત બનાવવા નવી પોલીસી અમલી બનાવી છે.

સિહોર શહેરમાં ભૂતકાળમાં સી.સી. ટી.વી. કેમેરા મુકવા બાબતે અનેક વખત મીટીંગો યોજાઈ હતી. બાદ તેનું નકકર પરિણામ આવતુ ન હતુ. તેવા સમયે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ હવે નજીકના ભવિષ્યમાં સી.સી.ટી.વી.કેમેરાથી સુસજજ થશે, સી.સી. ટી.વી. કેમેરા લગાવવાથી સિહોર શહેરના ગુનાઓને ઉકેલવામાં પોલીસ સ્ટાફને વધુ સરળતા રહેશે. સિહોર શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સી.સી.ટી.વી. કેમેરા મુદે નગરજનોમાં ચર્ચાઓ જાગી, આક્ષેપો થયા, સ્થાનિક આગેવાનોની મીટીંગો મળી અંતે ગઈ ભેંશ પાણીમાં જેવો ઘાટ ઘડાયો હતો.  સિહોરના બંધન પાર્ટી પ્લોટ ખાતે તાજેતરમાં સી.સી.ટી.વી.કેમેરા મુદે મુકત મને ચર્ચાઓ કરવા માટે સિહોરના વેપારીઓની મીટીંગ યોજાઈ હતી. જેમાં આગેવાનો દ્વારા તમામ પ્રકારની બાહેંધરી આપી હતી કે, આ કેમેરા પ્રોજેકટ થશે જ અને ફરી વાતો વિસરાઈ ગઈ હતી અને આગેવાનો નિરાશામાં મુકાયા હતા તેવા સમયે નવી આશાના કિરણ સાથે હવે આ પ્રોજેકટ ગવર્ન્મેન્ટ દ્વારા થશેે જ તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહેલ છે. ભૂતકાળમાં જે સી.સી.ટી.વી. કેમેરા પ્રોજેકટમાં સિહોરના ખાખરીયાના પાટીયા બાજુ, કૃષ્ણપાર્ક, દાદાની વાવ(મઢી પાસે), ટાવર ચોક, ઘાંઘળી રેલવે ફાટક, ઘાંઘળી ચોકડી, રેલવે સ્ટેશન, વડલા ચોક, સરકારી હોસ્પિટલ, આંબેડકર ચોક, મોટા ચોક, ખારાકુવા, પીંજારા ઢાળ, કંસારી બજાર, મકાતનો ઢાળ, સુરકાના દરવાજા, લીલાપીર, ફાયરીંગ બટ, રામનાથ રોડ, ગરીબશાપીર ફાટક, બસ સ્ટેન્ડ, નેસડા ફાટક, નવાગામ, કનીવાવ તેમજ જી.આઈ.ડી.સી.નં.૨ અને દરેક જગ્યાએ નવા સર્વે મુજબ  કેમેરા લગાવવાની શકયતાઓ છે. ખરેખર જો નિયત દર્શાવેલા સ્થળોએ સી.સી.ટી.વી.ના કેમેરા લગાવવામાં આવે તો સિહોર શહેરમાં પ્રવેશવાના દરેક પોઈન્ટ પર પોલીસની  નજર રહેશે અને ક્રાઈમના બનાવોમાં ચોકકસપણે ઘટાડો થશે. નાના મોટા અકસ્માતો સર્જી વાહન લઈ ભાગી છુટેલ વ્યકિત આસાનીથી પોલીસ પકડમાં આવી જશે તેમ જાણકારોનુું માનવુ છે. નગરજનો અને વેપારીમંડળની વર્ષો જુની માંગણીનો અંત નજીકના દિવસોમાં આવશે તે વાત ચોકકસ છે.આ બાબતે ટુંક સમયમાં કામગીરી હાથ ધરવામાં આવે તેવી શકયતા છે.

Image

ભાદ્રોડ ગામે બાંધકામ કરવાની ના પાડતા પાંચ જણ પર હુમલો


એક યુવાનના ગળે બેસી માર મારવા લાગ્યા

મહિલા સહિત પાંચ લોકોએ મારામારી કરી ધમકી આપી

ભાવનગર: મહુવા તાલુકાના ભાદ્રોડ ગામે રાવળા હક્કની જગ્યામાં બાંધકામ કરવાની ના પાડયાની દાઝ રાખી પાંચ લોકો ઉપર મહિલા સહિતના પાંચ જણે હુમલો કરી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી.

બનાવની મળતી વિગત મુજબ મહુવાના ભાદ્રોડ ગામે રહેતા વિપુલભાઈ જેઠાભાઈ બોરીચા (ઉ.વ.૨૪)ના મોટાબાપુના ઘરની સામે આવેલ પડતર રાવળા હક્કની જગ્યામાં તે જ ગામે રહેતો વિજય દેહાભાઈ વાઘ નામનો શખ્સ બાંધકામ કરી રહ્યો હતો. જેથી તેને તેની હદમાં બાંધકામ કરવા અને રસ્તામાંથી વાહન જઈ શકે તેટલી જગ્યા રાખવાનું કહેતા તેની દાઝ રાખી દિનેશ દેહાભાઈ, કૈલાસ દેહાભાઈ, અજય દિનેશભાઈ, વિવેક દેહાભાઈ અને ગીતાબેન કૈલાસભાઈએ બોલાચાલી કરી ગાળો દઈ પ્રથમ વિપુલભાઈનો કાઠલો પકડી ગળે બેસી જઈ મુંઢ માર માર્યા બાદ તેમના ઘરે જઈ વિપુલભાઈ, તેમના ભાઈ રમેશભાઈ, મનુભાઈ, જયેશભાઈ તેમજ ભાભી કિરણબેનને ઢીકાપાટુંનો માર મારી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. બનાવ અંગે યુવાને પાંચેય સામે મહુવા ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધાવ્યો છે.

Image

શહેરના કાળિયાબીડમાં દહેજના દાનવે પરિણીતાનો ભોગ લીધો


કરિયાવર ભૂખ્યા સાસરિયાના અસહ્ય ત્રાસથી કંટાળી મહિલાએ પાંચમાં માળેથી પડતું મુકી મોત મીઠું કર્યું

મૃતક દીકરીના પતિ, સાસુ-સસરા સામે વૃદ્ધ પિતાએ મારામારી કરી ત્રાસ આપી મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી

ભાવનગર: મહિલા સશક્તિકરણ, મહિલાઓ ઉપર થતી ઘરેલું હિંસાની વાતો વચ્ચે ભાવનગરમાં દહેજના દાનવે એક દોઢ વર્ષની માસૂમ પુત્રીની માતાનો ભોગ લીધો છે. દહેજ ભૂખ્યા પતિ, સાસુ-સસરાના અસહ્ય ત્રાસથી કંટાળી જઈ પરિણીતાએ પાંચમાં માળેથી પડતું મુકી મોત મીઠું કરી લીધાની ઘટનામાં મૃતકના પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ચકચાર મચાવનારી ઘટના અંગે મળતી વિગત અનુસાર શહેરના કાળિયાબીડ, સિલ્વર બેલ્સ સ્કૂલ પાસે, શાંતિનગર-૧માં પ્લોટ નં.૪૪૦૭માં રહેતા ભુવનેશ્વરીબા મહર્ષીરાજસિંહ ગોહિલ (ઉ.વ.૨૯)નું ગઈકાલે મંગળવારે વહેલી સવારે તેમના ઘરની સામે આવેલ અંજની પૂજા ફ્લેટના પાંચમાં માળેથી નીચે પડી જતાં મૃત્યુ થયું હતું. આ ઘટનામાં પરિણીતાનું અકસ્માતે પડી જતાં મોત થયા અંગે નિલમબાગ પોલીસે અકસ્માતે મોતની એન્ટ્રી કરી હતી.

જો કે, સમગ્ર મામલો પડી જવાથી નહીં પરંતુ પતિ, સાસુ-સસરાના દહેજ બાબતના અસહ્ય ત્રાસ, પતિની મારઝૂડથી કંટાળી મરવા મજબૂર કર્યાનો હોવાનું બહાર આવ્યું હતું. આ મામલે મૃતક ભુવનેશ્વરીબાના પિતા કિરીટસિંહ નારૂભા જાડેજા (ઉ.વ.૬૦, રહે, બી-૩૧, રામકૃષ્ણ સોસાયટી, ઉત્તમનગર પાસે, નિકોલ ગામ રોડ, ઠક્કરબાપાનગર, અમદાવાદ)એ આજે બુધવારે નિલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના દીકરીને તેણીના સાસુ જોશનાબા વિજયસિંહ ગોહિલ, સસરા વિજયસિંહ જશુભા ગોહિલ અને પતિ મહર્ષીરાજસિંહ વિજયસિંહ ગોહિલે દહેજ બાબતે અવાર-નવાર મેણાં-ટોણાં મારી શારીરિક-માનસિક ત્રાસ આપી દીકરીને આત્મહત્યા કરવા મજબૂર કરવા મજબૂર કરી હતી. વધુમાં જમાઈ મહર્ષીરાજસિંહ દીકરી સાથે મારઝૂડ કરતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. જેના આધારે નિલમબાગ પોલીસે મૃતકના પતિ, સાસુ-સસરા સામે આઈપીસી ૪૯૮એ, ૩૨૩, ૩૦૬, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઈ જી.આર. ધાધલે હાથ ધરી છે.

દીકરીએ માતાને એક દિવસ અગાઉ જ ફોન પર કહેલું 'આ લોકો મને જીવવા નહીં દે..'

કાળિયાબીડમાં પરિણીતા ઉપર દહેજ ભૂંખ્યાં સાસરિયા એટલી હદે શારીરિક-માનસિક ત્રાસ ગુજારતા હતા કે, ભુવનેશ્વરીબા માટે જીવવું ઝેર જેવું બની ગયું હતું. પતિને સાસુ-સસરા વિશે કંઈ વાત કરે તો પત્નીનું સાંભળતો નહીં. જેથી મનોમન ઘૂંટાતા મહિલાએ તૂંટીને ભાંગી પડયા હતા અને પાંચમાં માળની અગાસીમાંથી પડતું મુકી મોત વ્હાલું કર્યાના આગલા દિવસે (તા.૨૯-૪ના રોજ) તેમણે પોતાની માતાને ફોન કરી કહ્યું હતું કે, આ લોકો મને જીવવા નહીં દે, તમે અહીં આવો. દીકરી આટલી હદે પડી ભાંગી હોય, પિતાએ તેના વેવાઈ વિજયસિંહને ફોન કર્યો તો તેણે સરખા જવાબ નહીં આપી પોતે બધું સંભાળી લેશે તેવું ખાલી આશ્વાસન આપ્યું હતું.

કપડાં સૂકવવા જતાં પડી ગયાનું જમાઈએ જુઠ્ઠાણું ચલાવ્યું

પરિણીતા ભુવનેશ્વરીબાએ તેમના ઘરની સામે આવેલા અંજની પૂજા ફ્લેટના પાંચમાં માળે અગાસીમાંથી પડતું મુકી મોતને ભેટયાં બાદ તેના પતિ મહર્ષીરાજસિંહે અમદાવાદમાં રહેતા અને એલ્યુમિનિયમની રોલીંગ મીલમાં નોકરી કરતા સસરા કિરીટસિંહ જાડેજાને ફોન કરી ભુવનેશ્વરીબા ધાબા ઉપર કપડાં સૂકવવા ગયા ત્યારે અચાનક પડી જતાં સારવાર માટે સરકારી દવાખાને લઈ ગયા છીએ અને તમે તાત્કાલિક ભાવનગર આવો તેવું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. જો કે, બાદમાં વૃદ્ધે તેમના પત્ની સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, દીકરીને તેના સાસુ-સસરા પિયરમાંથી કરિયાવર લાવી નથી, પિયર પક્ષવાળા સાવ ભિખારી હોવાનું કહીં મેણા-ટોણાં મારતા અને પતિ મારઝૂડ કરતો હોવાનું દીકરી અવાર-નવાર તેમને કહેતી હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે વૃદ્ધે તેના વેવાઈ અને જમાઈ સામે ફરિયાદ દાખલ કરાવી છે.

Image

નારી ચોકડી પાસેથી જ્વલનશીલ પ્રવાહી સાથે બે શખ્સની ધરપકડ


એસએમસીએ એસઆરપી અને રાજ્યના પુરવઠા વિભાગના આસી. ડાયરેક્ટરને સાથે રાખી દરોડો પાડયો

ઉંડવી, નેસડાના શખ્સો ગેરકાયદે પંમ્પ ચલાવતા હતા, છ સામે ફરિયાદ ઃ ૮૪૮૦ લીટર જ્વલનશીલ પ્રવાહી મળી રૂા.૨૩.૮૩ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો

ભાવનગર : નારી ચોકડીથી અમદાવાદ તરફ જતા હાઈવે  આવેલ કોમલ હોટલની પાછળ ખુલ્લી જગ્યામાં ગેરકાયદે રીતે ચાલતા ડીઝલ જેવા ભેળસેળ યુક્ત પેટ્રોલિયમ પ્રવાહીના પંમ્પ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે એસઆરપી અને રાજ્યના પુરવઠા વિભાગના આસી. ડાયરેક્ટરને સાથે રાખી દરોડો પાડીને ૮૪૮૦ લીટર જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો, ટ્રક, સાધનો, રોકડ રકમ, મોબાઈલ ફોન મળી રૂા.૨૩.૮૩ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સને ઝડપી લીધા હતા. 

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ નારી ચોકડીથી અમદાવાદ તરફ જતા હાઈવે રોડ ઉપર આવેલ કોમલ હોટલની પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કનુભાઈ ડાંગર (રહે, ઉંડવી, તા.સિહોર) અને મુકેશભાઇ ડાંગર (રહે, નેસડા, તા. સિહોર) નામના શખ્સો એકબીજાની ભાગીદારીથી પોતાના મળતિયા માણસો રાખી બહારથી ટેન્કરમાં ડીઝલના ભળતા ભેળસેળયુક્ત જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી સસ્તા ભાગે મંગાવી પોતાના હવાલાવાળી ખુલ્લી જગ્યામાં રાખેલ જમીનમાં દાટેલ એક ટેન્કરમાં સંગ્રહ કરી અલગ-અલગ વાહનોમાં બજાર ભાવ કરતા ઓછી કિંમતે વેચાણ કરે છે. તેવી બાતમી  સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળતા એસએમસીના પીએસઆઈ એ.વી. પટેલ અને સ્ટાફે ગઈકાલે મંગળવારે એસઆરપી અને અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના આસી. ડાયરેક્ટર (વર્ગ-૨) કક્ષાના અધિકારીને સાથે રાખી રેઈડ કરી ટ્રકમાં જ્વલનશીલ ઇંધણ પૂરતા મુસ્તફા ઉર્ફે મોસીન હનીફભાઈ ભટ્ટી (રહે, નેસડા, તા. સિહોર ) અને ટ્રક ડ્રાઈવર અનવર સુલતાનભાઇ શેખ (રહે, ભાદ્રોડ ગેટ, નવાજાપા, હુસેની ચોક, મહુવા) નામના શખ્સોને ઝડપી લીધા હતા.

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વરતેજ પોલીસને જાણ કરીને હકીકત વાળી જગ્યાએ બોલાવેલ હતી તેમજ એફએસએલ અધિકારી, ભાવનગર ગ્રામ્ય મામલતદાર સહિતની ટીમ પણ ત્યાં દોડી ગઈ હતી. જ્યાં પંચનામું સહિતની જરૂરી કાનૂની કાર્યવાહી કરી પોલીસે જ્વલનશીલ પ્રવાહીનો ૮૪૮૦ લીટર જથ્થો, રોકડ રૂા.૫૬,૪૦૦, જમીનની અંદર ખાડો કરીને રાખેલ ધાતુનો ટાંકો નંગ એક, ઇંધણ પૂરાવવા માટે આવેલ ટ્રક જીજે.૦૪.એડબ્લ્યુ.૪૨૮૭, મોબાઈલ ફોન નંગ-૦૨, ડિસ્પેન્સર મશીન નંગ-૦૨, પ્લાસ્ટિકની મોટી પાઇપ નંગ-૦૨, એર કુલર, ઇન્વેટર, ઈલેક્ટ્રીક બોર્ડ સહિત રૂા.૨૩,૮૩,૫૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ બનાવ અંગે એસએમસીના પીએસઆઈ પટેલે મુસ્તુફા ઉર્ફે મોસીન હનીફભાઈ ભટ્ટી (રહે, નેસડા, તા.સિહોર), અનવર સુલતાનભાઈ શેખ (રહે, મહુવા), કનુ કાળુભાઈ ડાંગર, મુકેશ ડાંગર (રહે, નેસડા), ટેન્કર નં.જીજે.૦૪.એડબ્લ્યુ.૪૨૮૭ના માલિક, અરજણ આહીર  (રહે, માઈધાર, તા.પાલિતાણા) સામે વરતજે પોલીસમાં આઈપીસી ૨૮૫, ૨૬૬, ૧૨૦ (બી), જરૂરી ચીજ વસ્તુઓનો અધિનિયમની કલમ ૩, ૭ અને વિસ્ફોટક અધિનિયની કલમ ૯(બી)(૧)(બી) મુજબ ગુનો નોંધાવ્યો હતો.

ઉલ્લેખનિય છે કે, ગેરકાયોે જ્વલનશીલ પ્રવાહીનું વેચાણ કરતા શખ્સોએ ફાયર સેફ્ટીના કોઈ સાધનો રાખ્યા ન હતા. તેમજ વીજ જોડાણ પણ ગેરકાયદે લીધું હોવાનું દરોડામાં બહાર આવ્યું હતું.


Image

બોગસ બિલિંગ કૌભાંડના આરોપીના વધુ 4 દિવસના રિમાન્ડ પર


આધાર ૨.૦માં સંડોવાયેલો સલીમ દૌલા 22 એપ્રીલે ઝડપાયો હતો

આરોપીએ હજુ મહત્વપૂર્ણ વિગતો દબાવી રાખ્યાની શક્યતાને પગલે વધારે રિમાન્ડની માંગણી કરવામાં આવી

ભાવનગર: ભાવનગર સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા ૨૨મી એપ્રીલના રોજ બોગસ બિલિંગ કૌભાંડ આધાર ૨.૦માં સંડોવાયેલા આરોપીની ધરપકડ કર્યાં બાદ તેના ૭ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. જે આજે પૂર્ણ થતાં વિભાગ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરતા કોર્ટે ૪ મે સુધીના રિમાન્ડ મંજુર કર્યાં છે. આરોપીએ હજુ ઘણી વિગતો દબાવી રાખી હોવાની શક્યતા હોવાથી આ કેસમાં આરોપી પાસેથી વધુ મહત્વપૂર્ણ એકઠી કરવા વધુ રિમાન્ડ માંગ્યા હતા. જે કોર્ટે ગ્રાહ્ય રાખી ૪ એપ્રીલ સુધીના રિમાન્ડ મંજુર કર્યાં છે.

બોગસ બિલિંગ કૌભાંડમાં સ્ટેટ જીએસટી દ્વારા ઉજાગર કરવામાં આવેલ આધાર ૨.૦ના આરોપી અને વ્યવસાયે સીએ સલીમ દૌલાની ગત ૨૨મી એપ્રીલના રોજ સ્ટેટ જીએસટી વિભાગની ટીમ દ્વારા ફિલ્મી ઢબે તેના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપી ઝડપાઈ ગયા બાદ તેને અમદાવાદ લઈ જઈ તેને ૨૩ એપ્રીલે કોર્ટમાં રજૂ કરી સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા રિમાન્ડની માંગણી કરતા કોર્ટે આરોપીના ૩૦ એપ્રીલ સુધીના સાત દિવસના રિમાન્ડ મંજુર કર્યાં હતા. મળતી વિગતો અનુસાર આરોપીએ ધરપકડ બાદ અને રિમાન્ડ દરમિયાન પુછપરછ વખતે છટકવાના ઘણાં નાટકો કર્યાં હતા. પરંતુ આરોપી વ્યવસાયે સીએ છે, તેની પાસે બોગસ બિલિંગના નેટવર્કને લઈને ઘણી મહત્વની વિગતો મળી શકવાની સંભાવના છે ત્યારે આજે તેના ૭ દિવસના રિમાન્ડ પૂર્ણ થયાં બાદ જીએસટીના અધિકારીઓ દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગણી કરતા કોર્ટે તેેના આગામી ૪થી મે સુધીના ૪ દિવસના રિમાન્ડ મંજુર કર્યાં છે. બીજી તરફ મળતી વિગતો અનુસાર સ્ટેટ જીએસટી વિભાગને આરોપી પાસેથી ઘણી વિગતો તથા બોગસ બિલિંગને લઈને ઘણી મહત્વની કડીઓ હાથ લાગી છે અને તે દિશામાં સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં આ સંદર્ભે કોઈ નવા નામો ખુલે તો નવાઈ નહી. 

Image

કાર-બાઈક વચ્ચે અકસ્માતમાં પતિનું મોત, પત્ની અને પુત્રને ગંભીર ઈજા


ધોલેરાના પીપળી-વટામણ હાઈવે પર બનેલો બનાવ

માતા-પુત્રને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડાયા, બે સંતાને પિતાની છત્રછાયા ગુમાવી

ભાવનગર: ધોલેરાના પીપળી-વટામણ હાઈવે પર રોંગ સાઈડમાં આવી રહેલ કારના ચાલકે બાઈક સાથે અકસ્માત સર્જતા મોટીબોરૂના યુવાનનું કરૂણ મોત થયું હતું. જ્યારે તેમના પત્ની અને પુત્રને ગંભીર ઈજા થતાં સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવ્યા હતા.

બનાવ સંદર્ભે મળતી વિગત મુજબ ધોળકા તાલુકાના મોટીબોરૂ ગામે રહેતા ખોડાભાઈ શંકરભાઈ ગોહેલ (ઉ.વ.૩૪), તેમના પત્ની સંગીતાબેન (ઉ.વ.૩૫) અને દિકરો પાર્થ (ઉ.વ.૦૯) ગઈકાલે સોમવારે તેમની બાઈક નં.જીજે.૩૮.એએલ.૦૬૭૬ લઈને પીપળીથી મોટી બોરૂ ગામ તરફ આવી રહ્યા હતા. ત્યારે રાત્રિના આઠેક વાગ્યાના સુમારે પીપળી-વટામણ હાઈવે પર પીપળી ગામ પાસે વે-વેઈટ હોટલ નજીકથી પસાર થતી વેળાએ વટામણ તરફથી આવી રહેલ અર્ટિગા કાર નં.જીજે.૩૮.બીઈ.૨૨૫૮ના ચાલકે પુરપાટ ઝડપે રોંગ સાઈડમાં આવી બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. જે બનાવમાં દંપતી અને તેમના પુત્રને ગંભીર ઈજા થતાં ૧૦૮ એમ્બ્યુલન્સો મારફત ધોળકા સીએચસી લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ખોડાભાઈને માથા અને કપાળના ભાગે ગંભીર હોય, ફરજપરના તબીબે તપાસ મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેમના પત્ની સંગીતાબેનને માથા તેમજ પુત્ર પાર્થને પગના ભાગે ગંભીર ઈજા હોવાથી બન્નેની પ્રાથમિક સારવાર કર્યા બાદ અમદાવાદની એસવીપી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. બનાવ અંગે મૃતકના કાકા ધરમશીભાઈ જીવાભાઈ ગોહેલ (ઉ.વ.૫૦)એ કારના ચાલક સામે ધોલેરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Image

ગઢડામાં ઠપકો આપવા જતાં દંપતીને મારી નાંખવાની ધમકી


માનસિક અસ્થિર પુત્ર સાથે બાઈક ભટકાડતા

એક શખ્સ પાઈપ લઈ મારવા દોડયો, મહિલા સહિત પાંચ સામે ફરિયાદ

ભાવનગર: ગઢડા શહેરમાં માનસિક અસ્થિર પુત્ર સાથે બાઈક ભટકાડવા બાબતે ઠપકો આપવા ગયેલા દંપતીને જાનથી મારી નાંખવા ધમકી આપી પાઈપ લઈ મારવા દોડયા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

જાણવા મળતી વિગત મુજબ ગઢડા (સ્વામીના) શહેરની હુડકો સોસાયટીમાં રહેતા હારૂનભાઈ કાસમભાઈ તરકવાડિયા (ઉ.વ.૪૨)નો માનસિક અસ્થિર પુત્ર ઉવેશ ગઈકાલે બપોરના સમયે ખાટકીવાડના નાકે આવેલ ઘર પાસે રમતો હતો. ત્યારે રમજાન હનિફભાઈ લાખાણી નામના શખ્સે તેની સાથે બાઈક ભટકાડી હતી. જેથી હારૂનભાઈના પત્ની હમીદાબેનએ શખ્સને ઠપકો આપી ગાડી ધીમે ચલાવવાનું કહેતા તેણે ઉશ્કેરાઈ જઈ ગાળો દીધી હતી. આ બનાવ બાદ સાંજના સમયે હારૂનભાઈ અને તેમના પત્ની ખાટકીવાડમાં રમજાનના ઘરે સમજાવવા ગયા હતા. ત્યારે હનિફ આદમભાઈ લાખાણી, રમજાન હનિફભાઈ લાખાણી, ખાલીદ હનિફભાઈ લાખાણી, ફેજલ હનિફભાઈ લાખાણી અને હનિફાબેન હનિફભાઈ લાખાણીએ ગાળો બોલી રોડ કયાં તારા બાપનો છે, ગાડી તો આમ જ ચલાવવાની છે, તારાથી જે થાય તે કરી લે તેમ કહી ખાલીદ લાખાણીએ પાઈપ લઈ મારવા પાછળ દોડી જાનથી મારી નાંખવા ધમકી આપી હતી. બનાવ અંગે હારૂનભાઈ તરકવાડિયાએ મહિલા સહિત પાંચ જણ સામે ગઢડા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Image

આજે વેરાવળ-સાલારપુર સમર સ્પેશિયલ ટ્રેન એક દિવસ માટે દોડશે


- તા. 2 મેના રોજ સાલારપુરથી ઉપડશે 

- અજમેર, જયપુર જં., ભરતપુર જં., આગરા ફોર્ટ, કાનપુર સેન્ટ્રલ અને લખનઊ સ્ટેશનો પર રોકાશે

ભાવનગર : ઉનાળાની તુમાં મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વેએ વેરાવળ અને સાલારપુર વચ્ચે વિશેષ ભાડા પર સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. 

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના જણાવ્યા મુજબ આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી ૨૨.૨૦ કલાકે માત્ર એક દિવસ માટે એટલે કે ૩૦.૦૪.૨૦૨૪ (મંગળવારે) માટે દોડશે. ટ્રેન નંબર ૦૯૫૫૫ વેરાવળ-સાલારપુર સમર સ્પેશિયલ ટ્રેન વેરાવળથી ૩૦.૦૪.૨૦૨૪ (મંગળવાર)ના રોજ ૨૨.૨૦ કલાકે ઉપડશે અને બે દિવસ પછી ગુરુવારે સવારે ૧૦.૩૦ કલાકે સાલારપુર સ્ટેશન પહોંચશે. આ ટ્રેન વેરાવળ સ્ટેશનથી માત્ર એક દિવસ એટલે કે ૩૦.૦૪.૨૦૨૪ (મંગળવારે) માટે દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૫૫૬ સાલારપુર - વેરાવળ સમર સ્પેશિયલ ટ્રેન ૦૨.૦૫.૨૦૨૪ (ગુરુવાર) ના રોજ સાલારપુર સ્ટેશનથી ૧૩.૩૦ કલાકે ઉપડશે અને બે દિવસ પછી શનિવારે સવારે ૪.૨૦ કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન પણ માત્ર એક દિવસ ચાલશે. આ ટ્રેન જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જં., વિરમગામ, ચાંદલોડિયા (બી), મહેસાણા જં., મારવાડ જં., બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર જં., દૌસા, બાંદિકુઇ જં., ભરતપુર જં., આગરા ફોર્ટ, ટુંડલા જં., ઇટાવા જં., રૂરા, કાનપુર સેન્ટ્રલ અને લખનઊ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર અને સેકન્ડ ક્લાસ સીટિંગ કોચ સામેલ છે.

ટ્રેન નંબર ૦૯૫૫૫ વેરાવળ-સાલારપુર સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ ૩૦.૦૪.૨૦૨૪ (મંગળવાર) ના રોજ પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. આ ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

Image

ઉનાળાને લઈને દૂધના ખરીદભાવમાં સતત ત્રીજી વખત વધારો કરતી સર્વોત્તમ ડેરી


- સર્વોત્તમ ડેરીના નિયામક મંડળની મીટીંગમાં નિર્ણય લેવાયો

- ભાવનગર જિલ્લાના દૂધ ઉત્પાદક ખેડૂતો માટે બુધવારથી ભાવ વધારો અમલી બનશે

ભાવનગર : ઉનાળા દરમિયાન દૂધના ખરીદ ભાવમાં સતત ત્રીજી વખત સર્વોત્તમ ડેરી દ્વારા વધારો કરવામાં આવેલ છે. ગુજરાત રાજયના સ્થાપના દિવસથી સર્વોત્તમ ડેરી દ્વારા ભાવનગર જિલ્લાના દૂધ ઉત્પાદકોને કિલો ફેટે રૂા ૮૧૦ મળશે.

ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી., સર્વોત્તમ ડેરીના ચેરમેન મહેન્દ્રભાઈ પનોતના અધ્યક્ષસ્થાને તાજેતરમાં નિયામક મંડળની મીટીંગ મળી હતી. જેમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર કરાયા હતા.બાદ દૂધના ખરીદભાવ અંગે ચર્ચા થતા હાલ ઉનાળાની ગરમીના કારણે પશુની દૂધ ઉત્પાદકતામાં થયેલા ઘટાડાને ધ્યાનમાં લઈને તથા ઘાસચારો અને દાણની મોંઘાઈ વધતા તેમજ પશુપાલન વ્યવસાય વધારે નફાકારક બને, ખેતીની આવક હાલ બંધ થવાના કારણે તેમજ સર્વોત્તમ ડેરી સાથે જોડાયેલા પશુપાલકોનું જીવનધોરણ દૂધના વ્યવસાય થકી ઉંચુ આવે તેવા આશયથી દૂધના ખરીદભાવમાં વધારો કરાયો છે. હાલ કિલોફેટે રૂા ૭૯૦ ચૂકવાઈ રહ્યા છે તેમાં રૂા ૨૦ નો વધારો કરી છેલ્લા દોઢેક વર્ષથી દૂધના વેચાણભાવમાં કોઈપણ જાતનો વધારો કર્યા વિના દૂધના ખરીદભાવમાં સતત ત્રીજી વખત આગામી તા.૧-૫ થી અમલમાં આવે તે રીતે ખરીદ ભાવ રૂા ૮૧૦ કરવાના નિર્ણયથી પશુપાલકોમાં આનંદની લાગણી જન્મી છે. 

Image

ગોહિલવાડમાં ઘાસચારો મોંઘો થતા પશુપાલકો ચિંતામગ્ન બન્યા


- ઘાસચારાના ભાવ વધતા માલધારીઓ ખફા

- ખાનગી ક્ષેત્રની દૂધ કંપનીઓને દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાની નોબત આવી, દૂધના ભાવ વધવાની શકયતા 

ભાવનગર : ગોહિલવાડમાં છેલ્લા સપ્તાહથી ઘાસચારો મોંઘો થતા પશુપાલકો ચિંતામગ્ન બન્યા છે. એકબાજુ પેટ્રોલિયમ પેદાશના ભાવમાં વધારો અને બીજી બાજુ કાળઝાળ ઉનાળાના કારણે  દાણ અને ઘાસચારો મોંઘો થતા ખાનગી ક્ષેત્રની દૂધ કંપનીઓને દૂધ તેમજ છાસના ખરીદ ભાવમાં વધારો કરવાની નોબત આવી પડેલ છે. ઘાસચારો અપૂરતો મળતા માલધારીઓને ધોમ ધખતા તાપમાં દૂર-દૂર સુધી રઝળપાટ કરવાનો વખત આવ્યો છે. 

મહત્તમ પશુપાલન અને ખેતીવાડીના વ્યવસાય પર નિર્ભર રહેલા ભાવનગર જિલ્લામાં એકબાજુ ગરમીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે તેવા વિકટ સમયે સિહોર, ઉમરાળા સહિતના કેટલાક તાલુકા અને ગ્રામ્ય મથકોમાં ઘાસચારાની અછત વર્તાતા પશુપાલકોને ગૌવંશનો નિભાવ મુશ્કેલ બન્યો છે. ગોહિલવાડમાં માવઠાને લઈને કેટલાક તાલુકા મથકોને બાદ કરતા અન્ય તાલુકાઓ અને ગામોમાં ચાલુ વર્ષે નહિવત વરસાદને લઈને ઘાસચારાની અછત વર્તાઈ રહેલ છે. ઘાસચારાના ભાવમાં વધારો થતા સ્થાનિક ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને તેમજ સ્થાનિક પશુપાલકોને બહારથી ઘાસચારો લાવવામાં આવતા તે ખુબ જ મોંઘો પડી રહ્યો છે.ઘાસચારો મોંઘો થતા ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલા ગૌવંશનો નિભાવ ઘાસચારાના અભાવે મુશ્કેલ બની રહ્યો હોય કેટલીક ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા અનુદાન માટે ટહેલ નાખવાની તજવીજ હાથ ધરાઈ રહેલ છે. પશુઆહાર મોંઘો થતા ભાવનગર શહેર અને જિલ્લામાં દૂધના ભાવમાં વધારો થાય તેવી શકયતા જણાઈ રહેલ છે. ગુણવત્તા મુજબ લીલા ઘાસચારાનો ભાવ રૂા ૭૦ થી લઈને ૧૨૦ આસપાસ પહોંચતા પશુપાલકોને હાલાકી વેઠવી પડે છે. પશુઓને પ્રિય ગણી શકાય તેવા લચકો અને કડબના ભાવ આ અગાઉ મણના રૂા ૬૦ હતા. હાલમાં બજારમાં કડબ રૂા ૧૨૦ આસપાસના ભાવે વેચાઈ રહેલ છે. એક સમયે પાંચ રૂપીયે કિલો મળતો ઘાસચારો હાલ રૂા ૧૫  આસપાસના ભાવે વેચાય છે. આ ઉપરાંત લીલી જુવાર અગાઉ રૂા ૩૦ થી ૪૦ ની મણના ભાવે વેચાતી હતી. જે હવે ગુણવત્તા મુજબ રૂા ૮૦ આસપાસના ભાવે મળી રહેલ છે. સુકા ઘાસચારાના ભાવ વધતા ગોહિલવાડના પશુપાલકો ખફા થયા છે. જિલ્લાના પશુપાલકોને તેમના ઘર સુધી લીલો ઘાસચારો પહોંચાડવામાં ભારે આર્થિક મુશ્કેલીઓ વેઠવી પડે છે. કારણ કે, નજીકના શહેરી મથકમાં વેચાતો મોંઘો ઘાસચારો, ટોલટેક્ષ અને વાહનોના ઉંચા ભાડા તેઓને પોસાતા નથી.મોંઘો ઘાસચારો અને પશુ આહાર હોવા છતાં દૂધના વેચાણના પશુપાલકોને અપેક્ષિત ભાવ મળતા નથી. આવી વિકટ સ્થિતીમાં તેઓને દૂધનું ઉત્પાદન ખોટના ધંધા સમાન સાબિત થઈ રહેલ છે. ઘાસચારો મોંઘોદાટ થતા સર્વોત્તમ ડેરી દ્વારા ભાવનગર જિલ્લાના દૂધ ઉત્પાદકો માટે દૂધના ખરીદ ભાવમાં રૂા ૨૦ નો વધારો કરાયો છે. મોંઘા ઘાસચારાને લઈને દૂધના ભાવમાં હજુ પણ વધારો થવાની શકયતા વર્તાઈ રહેલ છે. 

Image

ભાવનગરમાં 3 દિવસ હિટવેવ : આકાશમાંથી અગનવર્ષા સાથે સિઝનની સર્વાધિક ગરમી નોંધાઈ


- એપ્રીલ મહિનામાં ત્રીજી વખત મહત્તમ તાપમાન 40 ડિગ્રી પાર થયું, રાત્રે પણ આકરી ગરમી

- 29, 30 અને 1લી મે સુધી આકરી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, સોમવારે ગરમીનો પારો 40.5 ડિગ્રીએ સ્થિર

ભાવનગર : ભાવનગરમાં ૧૦ દિવસ ગરમીમાં રાહત પછી ફરી ગરમીનો પારો ઉંચકાયો છે. એપ્રીલ મહિનામાં આજે સતત ત્રીજીવાર મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર થયું છે અને સાથે લઘુતમ તાપમાન પણ ઉંચકાતા રાત્રે પણ આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આજે ભાવનગરમાં શરૂ સિઝનની સૌથી વધારે ગરમી નોંધાઈ છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ભાવનગરના કેટલાક ભાગોમાં આગામી ત્રણ દિવસ હીટવેવની સ્થિતિ સર્જાશે. આજે આકાશમાંથી અગનવર્ષા થઈ હોય તેમ ભાવનગરવાસીઓએ આકરી ગરમીનો અનુભવ કર્યો હતો. આજે ગરમીનો પારો ૪૦.૫ ડિગ્રીએ રહ્યો હતો.

ભાવનગર શહેરમાં આજે આકાશમાંથી અગનવર્ષા થઈ હોય તેવી સ્થિતિ સાથે સિઝનની સૌથી વધારે ગરમી નોંધાઈ છે. ગત રોજની સરખામણીએ આજે મહત્તમ તાપમાન ૧.૩ ડિગ્રી વધીને ૪૦.૫ ડિગ્રી તથા લઘુતમ તાપમાન ૧ ડિગ્રી વધીને ૨૯ ડિગ્રી નોંધાયું છે. આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ ૩૬ ટકા હતું જે બપોર સુધીમાં ઘટીને ૧૮ ટકા રહ્યું હતું તથા સવારે પવનની ગતિ ૧૨ કિમી હતી જે દિવસ દરમિયાન વધીને  ૧૪ કિમી પ્રતિ કલાકની નોંધાઈ હતી. ગરમ અને ભેજવાળી હવાના કારણે દિવસ દરમિયાન અને ખાસ કરીને બપોરના સમયે આકરી ગરમીનો અહેસાસ ભાવનગરવાસીઓને થયો હતો. ગઈકાલે મહત્ત તાપમાન ૩૯.૨ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૮ ડિગ્રી નોંધાયું હતું. ભાવનગરમાં એપ્રીલ મહિનામાં ત્રીજી વખત મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રી પાર થયો છે. ગત તા. ૧૭ અને ૧૮મી એપ્રીલ દરમિયાન ગરમીનો પારો ૪૦ ડિગ્રી પાર થયો હતો જે બાદ ૧૦ દિવસ સુધી ગરમીમાં આંશિક રાહત રહી હતી અને ત્રણ દિવસ પૂર્વે વહેલી સવારે ઝરમર વરસાદ પડયો હતો. પરંતુ તે બાદ ત્રણ દિવસમાં ગરમીનો પારો ૨.૮ ડિગ્રી સુધી ઉંચકાયો છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ભાવનગરમાં આગામી ત્રણ દિવસ હીટવેવની સ્થિતિ સર્જાશે. ભાવનગરના કેટલાક ભાગોમાં આગામી ૨૯, ૩૦ અને ૧લી મે એમ ત્રણ દિવસ હીટવેવની સ્થિતિને પગલે આકરી ગરમી પડવાની સંભાવના છે અને મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સુધી પહોંચી શકે છે.

Image

રાજુલાના મોડલ એસટી ડેપોમાં રાતે નવ વાગ્યા પછી ટોઈલેટને પણ તાળા


- અનેક મુશ્કેલીઓ તથા અસુવિધા છતાં એસટી ડેપો મોડલ ડેપો કેવી રીતે? 

- વાવાઝોડામાં પડી ગયેલી દિવાલ ત્રણ વર્ષ પછી પણ ચણાઈ નથી, પુછપરછ માટેનો ફોન બંધ, ભારે ગરમીમાં પંખા બંધ

રાજુલા : રાજુલાના એસટી ડેપોને થોડાં દિવસો પૂર્વે મોડલ ડેપો જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ આ આ મોડલ એસ ટી ડેપો ફક્ત ને ફક્ત કાગળ પર હોય તેવી સ્થિતિ છે. રાજુલાના મોડલ એસટી ડેપોના ટોઈલેટ રાતે ૯ વાગ્યે તાળા લાગી જાય છે. ઉપરાંત વાવાઝોડામાં પડી ગયેલી દિવાલ ત્રણ વર્ષ પછી પણ ચણાઈ નથી, પુછપરછ માટેનો ફોન બંધ, ભારે ગરમીમાં પંખા બંધ રહે છે. આવી સ્થિતિમાં મુસાફરોને ભારે તકલીફ વેઠવી પડી રહી છે.

રાજુલાના એસટી ડેપોને થોડા સમય પહેલા મોડલ ડેપો તરીકે જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ  આ મોડલ એસ ટી ડેપો ફક્તને ફક્ત કાગળ પર હોય તેવું લાગે છે. ઉનાળાની આકરી ગરમીમાં રાજુલા ડેપો માં નવ પંખા ફીટ કરવામાં આવેલ છે, જેમાંથી ચાર પંખા બંધ અને બાકીના પંખા ખુબ જ ધીમાં ચાલતા હોવાથી મુસાફરો ભારે પરેશાન થઈ રહ્યાં છે. નિગમ મોટી મોટી વાતો કરે છે ત્યારે આ મુશ્કેલી કેવી કોને ? અદ્યતન સુવિધા આપવાની વાત ફક્ત કાગળ પર જ થાય છે. રાજુલા એસટી ડેપોમાં રાત્રે ટોયલેટ બાથરૂમ ૯.૦૦ વાગે બંધ થઈ જાય છે અને સવારે ટોયલેટ બાથરૂમ ક્યારે ખૂલે તે નક્કી હોતું નથી. તેમજ ટોઈલેટમાં પણ ભારે ગંદકી રહેતી હોવાથી મુસાફરો ઉપયોગ કરતા પણ અચકાય છે. રાજુલા ડેપોની દીવાલ વાવાઝોડા સમયથી પડી ગયેલ છે. જેને આજે અંદાજિત ત્રણ વર્ષ જેવો સમય થયો પણ આ દીવાલ હજુ રિપેર કરવામાં આવી નથી. તે સિવાય પુછપરછ માટે રાજુલા એસટી ડેપોનો ટેલિફોન ચાલુ છે છતાં બંધ હાલતમાં હોય તેવી સ્થિતિ છે. ક્યારેક ફોન લાગે, ક્યારેક ફોન ના લાગે. ડેપોની ૮થી ૧૦ લાઈટ રાતના સમયે બંધ હાલતમાં હોય છે. ગુરુવારે વીજકાપ હોય ત્યારે રિઝર્વેશન બંધ રહે છે. આવી સ્થિતિમાં રાજુલા એસટી ડેપો કંઈ રીતે મોડલ ડેપો કહેવાય તે પ્રશ્ન છે ત્યારે બસ ડેપોની આ અસુવિધાની બાબતે રાજુલાના જનપ્રતિનિધિ રસ લઈ નિરાકરણ લાવે તેવું રાજુલાના નાગરિકો ઈચ્છી રહ્યાં છે.

Image

'રજવાડાંને ફરી સત્તા સોંપાય તો હાલની સ્થિતિ કરતાં ઉત્તમ શાસન વ્યવસ્થા આપીશું'


- હાલ રજવાડાઓની ચર્ચા વધતાં ભાવનગર સ્ટેટના યુવરાજે પ્રતિક્રિયા આપી 

- પાટણમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાવનગરના મહારાજાને યાદ કર્યા,  પ્રથમ વખત રાહુલ ગાંધીને સાચી સલાહ મળી : યુવરાજ 

ભાવનગર : કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ રાજા રજવાડા અંગે કરેલાં નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પડયા બાદં આજે તેમણે પાટણમાં સભા દરમિયાન ભાવનગરના મહારાજાને યાદ કરી વિવાદને શાંત પાડવા કરેલાં પ્રયાસને ભાવનગરના યુવરાજે આવકાર્યો હતો. સાથે તેમણે છેલ્લા કેટલાક સમયથી રાજવીઓ અંગે થતી નિવેદનબાજી અંગે પણ તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, રજવાડાંઓને ફરી સત્તા સોંપી દેવામાં આવે તો હાલની સ્થિતિ કરતાં અમે ઉત્તમ શાસન વ્યવસ્થા આપીશું. 

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ ગત રવિવારે રાજા રજવાડા લોકોની જમીનો લઈ લેતા હોવાનું વિવાદીત નિવેદન કરતાં ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે આક્રમક પ્રતિક્રિયા આપી હતી.જો કે, આજે પાટણમાં યોજાયેલી સભામાં રાહુલ ગાંધીએ જાહેર મંચ પરથી ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજીને યાદ કરી પોતાના નિવેદનથી સર્જાયેલાં વિવાદને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ આજે યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે જણાવ્યું કે, રાહુલ ગાંધીએ ગતરોજ કરેલાં નિવેદન અંગે મેં ખોડીયાર માતાજીને પ્રાર્થના કરી હતી. જે પ્રાર્થના આજે ફળી છે. જયારે,રાહુલ ગાંધીએ આજે આપેલાં આ નિવેદન અંગે સલાહ આપનાર કોંગ્રેસના સલાહકારોનો યુવરાજે આભાાર માન્યો હતો અને પ્રથમ વખત રાહુલ ગાંધીને સાચી સલાહ મળી હોવાનું જણાવ્યું હતું. તો, તેમણે આ નિવેદનબાજીના રાજકારણના બદલે રાજકીય પક્ષોના ઉમેદવારોએ ભાવનગરના વિકાસની વાતોને લઈ પ્રજા વચ્ચે જવું જોઈએ અને આગામી પાંચ વર્ષથી લઈ પચાસ વર્ષનું ભાવિ આયોજન, દૂરંદેશીતાના મુસદા રજૂ કરવા જોઈએ. તેમ અંતમાં જણાવ્યું હતું. 

બન્ને ઉમેદવારને 5 નવા ઉદ્યોગ લાવી આપવા યુવરાજે ચેલેન્જ આપી

ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું કે, ચૂંટણીમાં પ્રજાહિતના એજન્ડાને કેન્દ્રસ્થાને રાખવામાં આવે તે ભાવનગરના હિતમાં છે. તેમણે બન્ને રાજકીય પક્ષોના ઉમેદવારોને યુવાનોને રોજગારી આપતાં પાંચ નવા ઉદ્યોગ ભાવનગરમાં લાવી આપવા ચેલેન્જ આપી હતી. 

આપના ઉમેદવારે રજવાડાં અંગે કરેલાં નિવેદનને ખાનગી ચેનલે તોડી મરોડી રજૂ કર્યાનો દાવો 

ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી કોંગ્રેસ ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણાએ આજે સવારે એક ખાનગી ચેનલને આપેલાં ઈન્ટવ્યુમાં રજવાડા અને રાજવીઓ અંગે વિવાદીત નિવેદન કર્યું હતું. જે નિવેદન તે ચેનલ સહિત તેની વીલ્યો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ અંગે તેમણે સાંજે પત્રકાર પરિષદ યોજી હતી. અને તેમના રજવાડા અંગેના નિવેદનને તોડી મરોડીને ખોડી રજૂ કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. સાથે તેમણે આ મામલે કાનૂનૂ સલાહના આધારે જવાબદારો સામે કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચરી હતી. 

Image

પ્રધાનમંત્રીએ વિરોધ છતા રૂપાલાની ટિકિટ નહીં કાપી ક્ષત્રિય સમાજને અપમાનીત કર્યા


- ભાવનગર ખાતે ચૂંટણી પ્રચારમાં આવેલ આપ નેતા સંજયસિંહે ભાજપ પર આકરા પ્રહાર કર્યા 

- લોકસભાની ચૂંટણી ભાજપ ભુલથી પણ જીતી ગયુ તો સંવિધાન, ચૂંટણી, આરક્ષણ ખતમ કરશે તેવા આક્ષેપો કર્યા 

ભાવનગર : પ્રધાનમંત્રીએ વિરોધ છતા રૂપાલાની ટિકિટ નહીં કાપી ક્ષત્રિય સમાજને અપમાનીત કર્યા છે તેથી ક્ષત્રિય સમાજ ચૂંટણીમાં ભાજપને જવાબ આપશે તેમ આજે રવિવારે ભાવનગર ખાતે ચૂંટણી પ્રચાર માટે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા સંજયસિંહે જણાવ્યુ હતુ અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં. 

ભાવનગર શહેરમાં આજે રવિવારે ઈન્ડીયા ગઠબંધનના આપ પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના ચૂંટણી પ્રચાર માટે આપ પાર્ટીના રાષ્ટ્રીય નેતા સંજયસિંહ આવ્યા હતા અને તેઓએ પત્રકાર પરીષદ દરમિયાન જણાવ્યુ હતુ કે, ભાજપના નેતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેનોને અપમાનીત કરતુ નિવેદન કર્યુ છે અને ક્ષત્રિય સમાજના લોકોએ રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી હતી છતા પ્રધાનમંત્રીએ ટિકિટ રદ નહીં કરી ક્ષત્રિય સમાજને વધુ અપમાનીત કર્યો છે ત્યારે ક્ષત્રિય સમાજ ભાજપને ચૂંટણીમાં જવાબ આપશે. મોંઘવારી, બેરોજગારીથી લોકો નારાજ છે. વિપક્ષના નેતાઓને જેલમાં નાખવામાં આવી રહ્યા છે. લોકસભાની આ ચૂંટણીમાં ભાજપ ભુલથી પણ જીતી ગયુ તો સંવિધાન, ચૂંટણી, આરક્ષણ ખત્તમ કરી નાખશે. સુરત અને ચંદીગઢની ચૂંટણીમાં તેનુ ઉદાહરણ જોવા મળ્યુ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ કહે છે કે, પ૦ વર્ષ રાજ કરશુ ત્યારે આ લોકો લોકશાહી જેવુ રહેવા નહીં દે તેમ પ્રહાર કરતા જણાવ્યુ હતું. 

આપના રાષ્ટ્રીય નેતાએ વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી મંગળસુત્રની વાતો કરે છે પરંતુ સોનાના ભાવ ર૦૧૪ની સરખામણીએ કેટલા વધી ગયા છે ?, બહેનોનુ મંગળસુત્ર તમે મોંઘુ કરી નાખ્યુ છે. તાલીબાનને ર૦૦ કરોડ ભારતે બજેટમાંથી ફાળવ્યા છે અને ગેહુ પણ મોકલ્યા છે. ગાય માતાનુ પણ ભાજપ સરકાર અપમાન કરી રહી છે. અંતમાં તેઓએ ઈન્ડીયા ગઠબંધનના આપના ઉમેદવારને વિજતા બનાવવા અનુરોધ કર્યો હતો.

Image

સૂર્યનારાયણ આકરા : શહેરમાં 39.2 ડિગ્રીની ગરમીએ રજાની મજા બગાડી


- ભાવનગરમાં 10 દિવસ બાદ ગરમીનો પારો 39 ડિગ્રીને પાર

- બપોરે એસી ફૂલ કરવા પડયાં, પંખામાંથી ગરમ હવા ફૂંકાઈ, બફારાથી અકળામણ : વરરાજા-જાનૈયા પરસેવે રેબઝેબ

ભાવનગર : રવિવારની રજામાં સૂર્યનારાયણ આકરા બન્યા હતા. ૧૦ દિવસ બાદ ગરમીનો પારો ૩૯ ડિગ્રીને પાર પહોંચી જતાં ભાવેણાંવાસીઓએ બપોરના સમયે હાશતોબા પોકારતી ગરમીનો અહેસાસ કર્યો હતો. ખાસ કરીને બપોરના સમયે પંખા પણ રાહત આપતા બંધ થઈ થયા હોય તેમ ગરમ હવા ફૂંકતા હોવાથી લોકોને ઘરમાં રહી સમય પસાર કરવો મુશ્કેલ બની ગયો હતો.

ચૈત્ર માસના અંતિમ પખવાડિયાના આરંભ સાથે જ ગરમીનું જોર ફરી વધવા લાગ્યું છે. આજે રવિવારે ભાવનગરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૯.૨ ડિગ્રીને આંબી ગયો હતો. જેથી શહેરીજનોની રજાની મજા બગડી હતી. સવારથી જ સૂર્યનારાયણ આકરા મિજાજમાં હોય તેમ આભમાંથી આકરો તાપ વરસાવી રહ્યા હતા. જેના કારણે બપોર પડતાં અંગ દઝાડતી ગરમીનો અનુભવ થવા લાગ્યો હતો. ઉનાળાના આકરા તાપથી બચવા મોટાભાગના લોકોએ ઘરની બહાર જવાનું ટાળી એસી ફૂલ કરી દીધા હતા. તો બીજી તરફ એસી ન હોય તેવા ઘરોમાં પંખાની ગરમ હવા ફૂંકવાથી ગરમી અને બફારાથી લોકોએ અકળામણ અનુભવી હતી.

સવારથી સાંજ સુધી ચૈત્રી તાપ અને બફારાનો સામનો કર્યા બાદ સાંજ ઢળતા જ ગરમીમાંથી રાહત મેળવવા અને રજાની મજા માણવા લોકો પરિવાર સાથે હરવા-ફરવાના સ્થળોએ નીકળી ગયા હતા. જેના કારણે બપોરે સુમસામ ભાંસતા સ્થળો-માર્ગો પર સૂર્યાસ્ત બાદ મોડી રાત સુધી લોકો-વાહનોની ચહલ-પહલ રહી હતી. વધુમાં આકરા તાપે વરરાજાઓની મુશ્કેલ વધારી હતી. તો જાનૈયાઓ પરસેવે રેબઝેબ થઈ વરઘોડામાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, છેલ્લે ૧૮મી એપ્રિલે શહેરનું મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રી નોંધાયા બાદ આજે રવિવારે ગરમીનો પારો પ્રથમ વખત ૩૯ ડિગ્રીથી ઉપર પહોંચ્યો હતો. આજના તાપમાન પર નજર કરીએ તો મહત્તમ તાપમાન ૩૯.૨, લઘુતમ તાપમાન સતત ત્રીજી રાત્રે ૨૮ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૬ ટકા રહ્યું હતું. તો પવનની ઝડપ ૧૨ કિ.મી. પ્રતિકલાકની નોંધાઈ હોવાનું હવામાન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

4 દિવસમાં તાપમાન 1.7 ડિગ્રી ઉંચકાયું

ભાવનગરમાં છેલ્લા ચાર દિવસથી ગરમીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેના પરિણામે ચાર દિવસમાં પોણા બે (૧.૭) ડિગ્રી તાપમાન ઉંચકાયું છે. ગત ૨૫મીએ શહેરનું મહત્તમ તાપમાન ૩૭.૫ ડિગ્રી હતું. ૨૬મીએ ૩૭.૭, ૨૭મીએ ૩૮.૬ અને આજે રવિવારે ૨૮મીએ ૦.૬ ડિગ્રીના વધારા સાથે ગરમીનો પારો ૩૯.૨ ડિગ્રીને આંબી ગયો હતો.

Image

ધોમ ધખતા તાપમાં પણ શીતળા માતાજીના મંદિરે પદયાત્રિકો ઉમટયા


- ચૈત્ર માસમાં દેવદર્શન અને પદયાત્રાનું વિશેષ મહત્વ

- રાજાશાહી વખતથી ચૈત્ર મહિનાના ચારેય રવિવાર શીતળામાતાજીના સાનિધ્યમાં ભરાતો ભાતીગળ લોકમેળો

ભાવનગર : ભાવનગરના છેવાડે ઘોઘા રોડ પર આવેલા અસંખ્ય માઈભકતોની અનન્ય શ્રધ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન શીતળા માતાજીના મંદિરે ચૈત્ર માસના રવિવારને લઈને ધોમ ધખતા આકરા તાપમાં પણ શહેરના કુંભારવાડા અને કરચલીયા પરા ઉપરાંત અકવાડા સહિત આસપાસના અનેક વિસ્તારોના માઈભકતોના પદયાત્રા સંઘ વાજતે ગાજતે માતાજીના દર્શનાર્થે ઉમટી પડયા હતા આ સાથે જય માતાજીનો જયઘોષ ગુંજી ઉઠયો હતો.માતાજી સન્મુખ માઈભકતો કિર્તનભકિતમાં રીતસરના ઝુમી ઉઠયા હતા.

હિન્દુ કેલેન્ડરમાં પ્રથમ આવતા ચૈત્ર મહિનાનું વિશેષ મહત્વ હોય ગોહિલવાડમાં ચોમેર ચૈત્ર માસને લઈને શ્રીમદ ભાગવત સપ્તાહ, શ્રીરામચરિત માનસ જ્ઞાાનયજ્ઞા,દેવી ભાગવત કથા, શિવકથા,હોમ, હવન, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તેમજ પાટોત્સવ ઉપરાંત અખંડ હનુમાન ચાલીસાના પાઠ, સ્વામિનારાયણ ધૂન, આનંદના ગરબાની અખંડ ધૂન સહિતના ધાર્મિક કાર્યોનો ધમધમાટ વધી રહ્યો છે. ચૈત્રી માસમાં ધર્મસ્થાનકોના દેવદર્શન, પદયાત્રાનું વિશેષ મહત્વ હોય ચૈત્રી માસમાં ગોહિલવાડના માઈમંદિરોમાં ધર્મકાર્યોનો ધમધમાટ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ચૈત્રી માસની પ્રણાલિકા મુજબ  પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના ઘોઘા રોડ પરના શ્રધ્ધેય નગરદેવી શીતળા માતાજીના મંદિરે રવિવારે વહેલી સવારથી ભાતીગળ મેની મેળાનો માહોલ દ્રશ્યમાન થયો હતો.અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે, રાજાશાહી વખતથી શહેરના ઘોઘા રોડ પરના શીતળા માતાજીના મંદિરે વર્ષ દરમિયાન ચૈત્રી માસના ચારેય રવિવાર દુર દુરથી માઈભકતોના પદયાત્રા સંઘ કિર્તનની રમઝટ સાથે વાજતે ગાજતે આવતા હોય છે જે મુજબ રવિવારે શહેરના કરચલીયા પરા, કુંભારવાડા, ખેડ્તવાસ, નારી સહિતના દૂર દૂરના સ્થળોએથી ભાવિકોના નાના અને મોટા સંઘ માતાજીની માંડવી, માતાજીનો રથ માઈભકતો માથે મુકી હાથમાં ધજા સાથે ડીજેના સંગાથે ઉમટી પડયા હતા.  પદયાત્રિકોના માર્ગમાં માધવ દર્શનથી લઈને ઘોઘા રોડ સહિતના અનેક સ્થળોએ ધાર્મિક મંડળો દ્વારા પદયાત્રિકો માટે ઠંડા પાણી, સરબત, આઈસક્રીમ તેમજ અલ્પાહારના કાઉન્ટર ઉભા કરાયા હતા.રવિવારે અંદાજે ૧૦ થી વધુ માઈ ભકતોના સંઘ શીતળા માતાજીના મંદિરે આવી પહોંચતા સમગ્ર મંદિરનું કેમ્પસ ઉપરાંત હાઈવે પર બંને સાઈડ ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. માઈભકતોએ માતાજીને ભાવભેર કુલેર, ખીર સહિતની વાનગીઓ ધરી, શ્રીફળ, ચુંદડી, માતાજીનો શણગાર ધરી ધન્યતા અનુભવી હતી.વહેલી સવારે એક માઈભકત શિવાજી સર્કલથી દડતા દડતા પણ દર્શનાર્થે આવ્યા હતા. આ સાથે શીતળા માતાજીના સાનિધ્યમાં મીની ભાતીગળ લોકમેળાનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. ભાવિકોની વિશાળ ઉપસ્થિતીને લઈને પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો હતો.આ અવસરે અનેક પરિવારો દ્વારા માનતા અર્થે સાકર તુલા વિધિ પણ કરાય છે. 

અન્ય ધર્મસ્થાનકોમાં પણ પદયાત્રિકોની સંખ્યા વધી

ચૈત્ર માસમાં ફકત શીતળા માતાજીના મંદિરે જ નહિ બલકે રાજપરા ખોડિયાર, નાગધણીબા ખોડિયાર ઉપરાંત બોટાદથી દર શનિવારે યાત્રાધામ સાળંગપુર માટેના પદયાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થતો હોય છે.

Image

ડાયનોસરની જેમ કોંગ્રેસ પણ ધરતી પરથી લુપ્ત થઈ જશે : રાજનાથસિંહ


- સિહોર ખાતે ભાજપના ઉમેદવારના સમર્થનમાં જાહેરસભા યોજાઈ

- કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ 370, રામમંદિર, તીન તલાક સહિતની વાતો કરી ભાજપની સરકારના વખાણ કર્યા 

ભાવનગર : ડાયનોસરની જેમ કોંગ્રેસ પણ ધરતી પરથી લુપ્ત થઈ જશે અને કોંગ્રેસ કોણ છે ? તેમ બાળકો પુછશે તેમ આજે રવિવારે ભાવનગર જિલ્લાના સિહોર ખાતે ચૂંટણી પ્રચાર માટે આવેલા કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યુ હતુ અને કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતાં. 

ભાવનગર જિલ્લાના સિહોરના ક્રિકેટ છાપરી મેદાન ખાતે આજે રવિવારે સાંજે ભાજપના ઉમેદવાર નિમુબેન બાંભણીયાના સમર્થનમાં જાહેરસભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી હાજર રહ્યા હતા અને તેઓએ સભા સંબોધતા જણાવ્યુ હતુ કે, ભાજપ સરકારમાં નવા ભારતનુ નિર્માણ થયુ છે. પહેલાની સરકારમાં પણ કામ થયુ છે પરંતુ મોદી સરકારમાં વિકાસની તિવ્રતા જોવા મળી રહી છે. ૧૦ વર્ષ પહેલા ભારતને કોઈ ગંભીરતાથી લેતુ ન હતુ અને હવે વિદેશમાં પણ ભારતને લોકો ગંભીરતાથી સાંભળે છે. અર્થશાસ્ત્રીઓ પણ ભારતન વખાણ કરે છે. કોંગ્રેસના રાજમાં આતંકવાદ વધ્યો હતો, જયારે ભાજપના રાજમાં આતંકવાદ ઘટયો છે. 

કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભ્રષ્ટાચાર બહુ જ મોટી બિમારી છે અને કોંગ્રેસના રાજમાં તેના મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા તેમજ જેલમાં પણ મંત્રીઓ ગયા હતા, જયારે ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર ઓછો છે. ૩૭૦, રામમંદિર, તીન તલાક, નાગરીક કાનુન સહિતની વાતો કેન્દ્રીય સંરક્ષણ મંત્રીએ કરી હતી અને ભાજપની સરકારના વખાણ કર્યા હતાં. ભાવનગર લોકસભા બેઠકના ઉમેદવારને મત આપી જીતાડવા અનુરોધ કર્યો હતો.  

Image

ભાવનગર જિલ્લામાં છેલ્લા 3 વર્ષમાં 1.79 લાખથી વધુ ટુ વ્હિલ રોડ પર દોડતા થયા


- આરટીઓએ દ્વિચક્રિ વાહનો માટે 19 મી નવી સીરીઝ લોંચ કરી

- ટુ વ્હિલરની સાથોસાથ 50 હજારથી વધુ નવી ફોર વ્હિલ કાર ખરીદાઇ

ભાવનગર : વિવિધ ઓટો કંપનીઓ દ્વારા અવનવા વાહનોના મોડલ તબક્કાવાર લોંચ થતા રહે છે તો સાથો સાથ આ વાહનોની ખરીદીવાળો વર્ગ પણ મળી જાય છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ટુ વ્હિલ વાહનોમાં ૧.૭૯ લાખ વાહનોની ખરીદી થવા પામી છે તો ફોર વ્હિલમાં ૫૦ હજારથી વધુ ગાડીઓ શો રૂમમાંથી છુટી હોવાનું જણાયું છે.

સ્વાભાવિક નવું બાઇક કે સ્કૂટર લોંચ થાય એટલે ખરીદીવાળો વર્ગ પસંદગી કરતો હોય છે. જો કે, વાહનોના ભાવમાં પણ વધારો થયો છે અને ૬૦ હજારથી લઇ ૧.૨૦ લાખ સુધીના ટુ વ્હિલ વાહનોની પસંદગી ગ્રાહકો કરીર હ્યા છે. ભાવનગર આરટીઓમાંથી મળતી વિગતો મુજબ વર્ષ ૨૦૨૧થી ત્રણ વર્ષ દરમિયાન ભાવનગર જિલ્લા માટે જીજે-૪-ડીડી, ડીઇ, ડીએફ, ડીજી,  ડીએચ, ડીજે, ડીકે, ડીએલ, ડીએમ, ડીઆર, ડીએસ બાદ ઇબી, ઇસી, ઇએફ, ઇજી, ઇએચ, ઇકે, ઇએલ સીરીઝ મુકાઇ હતી જેના પ્રત્યેક સીરીઝના ૯૯૯૯ નંબર પ્રમાણે ૧,૭૯,૯૮૨ થી વધુ વાહનોની શો રૂમમાંથી ખરીદી થવા પામી હોવાનું જણાયું છે તો આ સાથે ફોર વ્હિલ કારમાં પણ ભાવનગરવાસીઓએ ખરીદીમાં પાછી પાની કરી નથી. ત્રણ વર્ષ દરમિયાન ૫૦ હજારથી વધુ કારોની પણ ખરીદી થઇ હોવાનું જણાયું છે અને આ કારોને નંબર આપવા આરટીઓ દ્વારા વર્ષ ૨૦૨૧ થી જીજે-૪-ડીએ, ડીઇ, ડીએન, ઇએ, ઇઇ સીરીઝ આપી જે પૂર્ણ થતા હાલ જીજે-૪-ઇજેની સીરીઝ ચાલી રહી છે. જેથી ૫૦ હજારથી વધુ નવી કારો પણ ભાવનગરના માર્ગો પર દોડતી થઇ હોવાનું કહી શકાય. જો કે, હાલના સંજોગોમાં રીસેલ બજાર પણ ગરમાયેલી છે ત્યારે નવી ખરીદી મોંઘી પડતી હોવા છતાં ટુ વ્હિલ ખરીદીનો મોટો વર્ગ રહ્યો છે અને હાલ મોટાભાગે ઘરના દરેક સભ્ય પાસે ટુ વ્હિલ જોવા મળી રહ્યું છે.

Image

ભાવનગર ગ્રામ્ય, પૂર્વ, ગઢડા અને બોટાદ મત વિભાગમાં ઈવીએમનું કમિશનીંગ શરૂ


- ભાવનગર લોકસભા બેઠક પર આગામી 7 મી મેના રોજ મતદાન થનાર છે ત્યારે 

- અન્ય ત્રણ વિધાનસભા મત વિભાગમાં ઈવીએમમાં સીમ્બોલ, બેલેટ પેપર લગાવવાની પ્રક્રિયા આજથી હાથ ધરવામાં આવશે 

ભાવનગર : ભાવનગર લોકસભા બેઠકની ચૂંટણીમાં મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે હવે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આજથી વિધાનસભા મત વિભાગો પ્રમાણે ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીનમાં સીમ્બોલ, બેલેટ પેપર લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયાને ઈવીએમનું કમિશનીંગ કહેવાય છે. 

સમગ્ર દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ રહી છે. જેમાં પ્રથમ બે તબક્કાનું મતદાન સંપન્ન થઈ ગયું છે અને ત્રીજા તબક્કાનું મતદાન આગામી તા.૭મી મેના રોજ યોજાનાર છે. આ ત્રીજા તબક્કામાં ભાવનગર સહિત સમગ્ર ગુજરાતની ૨૬ લોકસભા સીટ પર મતદાન થનાર છે. આથી હવે આ મતદાનને માંડ ૧૦ દિવસનો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે આજથી ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન (ઈ.વી.એમ.)ના કમિશનીંગનો પ્રારંભ થયો છે. 

ભાવનગર લોકસભા બેઠકમાં તળાજા, પાલિતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ,  ગઢડા અને બોટાદ સહિત જુદાજુદા સાત વિધાનસભા મત વિભાગનો સમાવેશ થાય છે. જેમાંથી ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ગઢડા અને બોટાદ એમ ચાર વિધાનસભા મત વિભાગમાં આજથી કમિશનીંગની પ્રક્રિયા હાથ ધરાઈ હતી જ્યારે તળાજા, પાલિતાણા અને ભાવનગર ત્રણ પશ્ચિમ એમ ત્રણ વિધાનસભા મત વિભાગમાં આવતીકાલ તા.૨૮ એપ્રિલથી કમિશનીંગની પ્રક્રિયા હાથ ધરાશે.  

Image

વિશિષ્ઠ મતદારો : ચૂંટણી ઢંઢેરામાંથી બાકાત દિવ્યાંગ મતદારો લોકશાહીનું પર્વ ઉજવશે


- દિવ્યાંગ મતદારો કેવી રીતે મતદાન કરશે? અંકુર શાળામાં તાલીમ અને મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

- શહેરના 50 થી વધારે દિવ્યાંગ મતદાતાઓએ ઈવીએમમાં કેવી રીતે મત આપવો તે જાણ્યું, મતદાન કરવા પણ જશે

ભાવનગર : લોકશાહીનું પર્વ નજીક આવી રહ્યું છે. તમામ રાજકીય પાર્ટીઓના વચનો વાયદાઓ કરી મતદારોને આકર્ષિ રહી છે તો બીજી બાજુ ચૂંટણીપંચ પણ મહત્તમ મતદાન થાય તે માટે મતદાન જાગૃતિનું અભિયાન ચલાવી રહ્યું છે. ત્યારે શહેરના સરદારનગર સ્થિત અંકુર દિવ્યાંગ બાળકોની વિશિષ્ટ શાળામાં ભાવનગરના વિશિષ્ઠ મતદારો એટલે કે દિવ્યાંગ મતદારોએ કેવી રીતે મતદાન કરવું તે અંગેનું માર્ગદર્શન આપવા અને ઈવીએમ નિદર્શન માટેનો દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ આયોજીત થયો હતો. જેમાં શાળાના ૫૦થી વધારે બાળકો તથા ૨૨ જેટલા દિવ્યાંગ મતદારો જોડાયા હતા. રાજકીય પાર્ટીઓના ચૂંટણી ઢંઢેરામાંથી બાકાત રહેલા આ મતદારો લોકશાહીએ તેમને આપેલા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વને ઉજવશે.

શહેરના સરદારનગરમાં આવેલી અંકુર મંદબુદ્ધિના બાળકો માટેની વિશિષ્ટ શાળામાં જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા સમાજ સુરક્ષા ખાતાની કચેરી તેમજ અંકુર શાળાના સંયુક્ત ઉ૫ક્રમે દિવ્યાંગ મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. દિવ્યાંગ મતદારોને અવરોધ મુક્ત વ્યવસ્થા મળે તે માટે આયોજીત આ કાર્યક્રમમાં ૫૦થી વધારે બૌધ્ધિક અક્ષમતા, બધિર, મગજના લકવાગ્રસ્ત, પ્રજ્ઞાાચક્ષુ તથા શારીરિક દિવ્યાંગ બાળકો તથા આશરે ૨૨ જેટલા દિવ્યાંગ મતદાતાઓ જોડાયા હતા. આ મતદાતાઓને માસ્ટર ટ્રેનર ધ્વારા ઈવીએમ મશીનનું નિર્દશન કરાવવામાં આવ્યું હતું. ચૂંટણી ચિહ્ન, ઉમેદાવારો, નોટા મતદાન વગેરે સહિતની વિગત સાથે આ મતદારોને કેવી રીતે મતદાન કરવું તેની તાલીમ આપવામાં આવી હતી અને સક્ષમ એપ્લીકેશન અંગેની માહિતી અપાઇ હતી. જેમાં એપમાંથી કેવી રીતે મતદાન માટે નોંધણી કરાવવી, મતદાન મથક શોધવા તથા મતદાન મથક પર વ્હિલચેર, દિવ્યાંગ મતદાતા માકગ, વાહન, રેમ્પ, મથક-ઉમેદવાર ઓળખ, ઘર બેઠા પોસ્ટલ બેલેટ જેવી અનેકવિધ સુવિધાઓતથા અન્ય સુગમતા માટેની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત દિવ્યાંગ મતદારો પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં સહભાગી થાય તે માટે અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ૧૮ વર્ષથી ઉપરના મતદારોને મતદાન કરવા માટે પ્રતિજ્ઞાા લેવડાવવામાં આવી હતી તેમજ ૧૮  વર્ષથી નીચેના દિવ્યાંગ બાળકોને પણ ભવિષ્યમાં મતાધિકાર મળ્યા બાદ મતદાન કરવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

કોઈ પણ વચનો કે વાયદા વિના નિઃસ્વાર્થભાવે મતદાન કરશે

સામાન્ય મતદાર રાજકીય પાર્ટીઓના વચનો અને વાયદાના આધારે મતદાન કરે છે. રાજકીય પાર્ટીઓના ચૂંટણી ઢંઢેરામાં કેટલું મળ્યું છે કેટલું મળશે તેના આધારે સામાન્ય મતદાર મતદાન કરતો હોય છે. પરંતુ રાજકીય પાર્ટીઓના ચૂંટણી ઢંઢેરામાંથી બાકાત રહેલા આ વિશિષ્ઠ મતદારો કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના લોકશાહીને મજબૂત કરવા લોકશાહીનું પર્વ ઉજવશે કારણે કે રાજનીતિના વાયદા વચનોની દુનિયાથી દુર તેમની એક અલગ દુનિયા છે.

Contact Us

Contact Form