Our News Speaks

News for You | News for Everyone.

Today's News

Image

ચોરી થયેલી મોંઘીદાટ આઠ કાર સાથે શખ્સની ધરપકડ, બે ફરાર


દિલ્હી અને અન્ય રાજ્યોમાંથી ચોરા થયેલી કારની લે-વેચ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે ઉઠાવી લીધો

૧.૨૧ કરોડની આઠ કાર, ૪૦ હજારનો એક મોબાઈલ ફોન કબજે કરાયો, પાંચ કારની ચોરી અંગે પૂછતાછ શરૂ

બોટાદ: દિલ્હીમાંથી મોંઘીદાટ કારની ચોરી કરતા બોટાદ તાલુકાના નાગલપર ગામના કારચોર શખ્સને બોટાદ ક્રાઈમ બ્રાંચ, એસઓજી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમે દબોચી લઈ આશરે સવા કરોડની કિંમતની આઠ કાર અને ૪૦ હજારનો એક મોબાઈલ ફોન કબજે કર્યો હતો. જ્યારે અન્ય બે શખ્સ ફરાર હોય, તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ત્રણ કાર દિલ્હીમાં ચોરી થયાનું બહાર આવ્યું છે. જ્યારે બાકીની પાંચ કાર ક્યાંથી ચોરી થઈ છે તે બાબતની પૂછતાછ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બોટાદના નાગલપર ગામે રામજી મંદિર પાસે રહેતો અને ખેતીકામના વ્યવસાય સાથે જોડાયેલો તુલસી ઉર્ફે હિતેશ કાનજીભાઈ ઠોળિયા (ઉ.વ.૩૫) નામનો શખ્સ ચોરી કરેલી મોટરકાર લે-વેચ કરતો હોવાની ચોક્કસ બાતમીના આધારે બોટાદ લોકલ ક્રાઈમ બ્રાંચ, સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ અને પેરોલ ફર્લો સ્કવોડની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી તુલસી ઉર્ફે હિતેશ ઠોળિયાને ઉઠાવી લઈ પૂછતાછ કરતા આ શખ્સ પાસેથી નંબર પ્લેટ વિનાની આઠ મોંઘીદાટ કાર મળી આવી હતી. જેમાં કિયા, હ્યુન્ડાઈ ક્રેટા, ત્રણ ટોયેટો ફોરચ્યુનર, સુઝુકી એસ ક્રોસ, સુઝુકી બ્રેઝા અને બલેનો મળી કુલ રૂા.૧,૨૧,૦૦,૦૦૦નો સમાવેશ થાય છે. પોલીસે આ આઠેય કાર ઉપરાંત ૪૦ હજાર રૂપિયા કિંમતનો એક મોબાઈલ ફોન કબજે કરી શખ્સની પૂછતાછ કરતા અલગ-અલગ રાજ્યોમાંથી ચોરી થયેલા ફોરવ્હીલ વાહનો મેળવી તેને સસ્તા ભાવે વેચી મારતો હોવાની કબૂલાત આપી હતી. વધુમાં કિયા, ક્રેટા અને ફોરચ્યુનર કારની ચોરી દિલ્હીમાંથી થયાનું બહાર આવ્યું છે. જેમાં કિયા કારની ચોરી અંગે દિલ્હીના સરીતા વિહાર, સાઉથ-ઈસ્ટ, ઈ-પોલીસ મથકમાં ગત તા.૧૦-૨-૨૦૨૪નો ગુનો નોંધાયો હતો. ક્રેટા કારની ચોરી બાબતે ગત તા.૧૪-૧ના રોજ દિલ્હીના પટેનગર સેન્ટ્રલ ડિસ્ટ્રીક, ઈ-પોલીસ મથક અને ફોરચ્યુનર કાર સબંધે દિલ્હીના ગ્રેટર કૈલાસ, સાઉથ ડિસ્ટ્રીક, ઈ-પોલીસમાં ગત તા.૨૯-૨ના રોજ ગુનો નોંધાયો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. જ્યારે અન્ય પાંચ કારની ચોરી સબંધે હાલમાં તપાસ તજવીજ શરૂ હોવાનું પોલીસે જણાવ્યું છે.

વધુમાં પૂછતાછ દરમિયાન બ્રિજેશ ઉર્ફે બાલો વિનુભાઈ મોણપરા (રહે, સુરત) અને રમેશ ઉર્ફે રામો મેરાભાઈ હાડગરા (રહે, નાગલપર) નામના શખ્સોના નામ ખુલતા પોલીસે બન્નેને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.

Image

ડેડ વ્હેસલમાંથી ચોરીને અંજામ આપનાર બે દેશી ચાંચિયા ઝબ્બે


અલંગ યાર્ડમાં પ્લોટ નં.૭૮/૭૯ના માલિકની શિપમાંથી ૪૦.૮૦ લાખના મુદ્દામાલને ચોરી થઈ હતી

કોળિયાક અને હાથબના બે શખ્સને પોલીસે દબોચી લીધા, ઊંડાણપૂર્વક તપાસ થાય તો દેશી ચાંચિયાઓની ટોળકીનું મોટું નેટવર્ક બહાર આવી શકે 

ભાવનગર: વિશ્વ વિખ્યા અલંગ શિપ રિસાયકલીંગ યાર્ડમાં ભંગાણ અર્થે આવેલા ડેડ વ્હેસલમાંથી લાખો રૂપિયાની મુદ્દામાલની ચોરીને અંજામ આપનાર બે દેશી ચાંચિયા ભાવનગર જિલ્લા પોલીસની ઝપટે ચડી ગયા છે. પોલીસે કોળિયાક અને મુળ હાથબના બે શખ્સને દબોચી લઈ ૧૧૦૦ કિલો કેબલનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર અલંગ શિપ યાર્ડના પ્લોટ નં.૭૮/૭૯ના પ્લોટમાં ભંગાર અર્થે આવેલા ડી.વી. ઈરિકા નામના ડેડ વ્હેસલમાંથી ગત સપ્તાહમાં ઈલેક્ટ્રીક કેબલ વાયર, કોપરનો પાઈપ, મેટરલના વાલ્વ, ઈલેક્ટ્રીક સામાન અને બેરીંગ્સ વગેરે મળી કુલ રૂા.૪૦,૮૦,૦૦૦ના મુદ્દામાલની ચોરી થઈ હતી. જે બનાવ અંગે શ્રી રામ વ્હેસલ સ્ક્રેપ પ્રા.લિ.ના માલિક મુકેશભાઈ હરીશચંદ્ર શર્મા (રહે, સંસ્કાર મંડળ)એ પ્રથમ અલંગ મરિન પોલીસમાં અરજી કર્યા બાદ ગત રવિવારે સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત પ્લોટ નં.વી/૭માં પણ ભંગાવવા આવતા ડેડ વ્હેસલમાંથી રૂા.૪.૮૦ લાખની માલમત્તા ચોરી થયા અંગેની જેરામભાઈ ભરતભાઈએ અલંગ મરિન પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો હતો.

આ બન્ને ફરિયાદના આધારે રેન્જ આઈજી ગૌત્મ પરમાર, એસ.પી. ડો.હર્ષદ પટેલ, મહુવા ડિવિઝનના એએસપી અંશુલ જૈન, એલસીબી પીઆઈ પટેલ, એસઓજી પીઆઈ વાળા અને એલસીબી, એસઓજી તેમજ અલંગ મરિન પોલીસની ટીમોએ ભૂતકાળમાં ડેડ વ્હેસલમાંથી ચોરી કરનારી ટોળકી, અગાઉ પકડાયેલા તસ્કરો અને ચોરીના મુદ્દામાલ ખરીદનાર શખ્સોની માહિતી મેળવી જીણવટભરી રીતે તપાસનો દૌર આગળ વધાર્યો હતો. જેમાં ટેકનિલક સોર્સ અને હ્યુમન સોર્સની મદદ લઈ શિપ માલિકના ડેડ વ્હેસલમાંથી ચોરી કરતા પકડાયેલા જ શખ્સે ચોરીને અંજામ આપ્યાનું બહાર આવતા પોલીસે વિક્રમ હરજીભાઈ ગોહિલ (ઉ.વ.૩૩, રહે, નિષ્કલંક રોડ, પ્લાન્ટ સ્ટેશન પાસે, કોળિયાક) અને જગદીપ ઉર્ફે ગોપો પ્રવીણભાઈ મેર (રહે, હાથબ, હાલ વાઘેલા મંડપવાળો ખાંચો, સુભાષનગર, ભાવનગર)ને દબોચી લઈ આગવીઢબે પૂછતાછ કરતા ડેડ વ્હેસલ ડી.વી. ઈરિકામાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે બન્ને શખ્સને સાથે રાખી દરિયામાં સંતાડેલો ચોરીને ૧૧૦૦ કિલો વજનનો ઈલેક્ટ્રીક કેબલ (કિ.રૂા.૪,૯૯,૫૦૦)નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગે જિલ્લા પોલીસ વડાએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ડેડ વ્હેસલમાંથી ચોરીને અંજામ આપવામાં ઝડપાયેલા બન્ને શખ્સ ઉપરાંત તેમના ટોળકીના સરદાર અને સભ્યો પણ સાથે હતા. જેથી પોલીસે અન્ય આરોપીઓને શોધવા ચક્રોગતિમાન કર્યા છે. વધુમાં કોઈ ગેંગ સક્રિય છે કે કેમ, ચોરીનો અન્ય મુદ્દામાલ છુપાવવામાં આવ્યો છે કે વેચી દીધો છે ? તે દિશામાં તપાસ શરૂ હોવાનું ઉમેર્યું હતું.

ઉલ્લેખનિય છે કે, પોલીસે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ એફએસએલને પણ સાથે તપાસમાં જોડી હતી. શિપમાંથી ફિંગર પ્રિન્ટના નમૂના પણ લેવામાં આવ્યા હતા.

ચોરી ૪૦.૮૦ લાખની મુદ્દામાલ પાંચ લાખનો જ મળ્યો

ડી.વી. ઈરિકા નામના ડેડ કન્ટેનર વ્હેસલ દીવથી ઘોઘાના દરિયાઈ માર્ગે ટગ મારફત ટોઈંગ કરીને અલંગ યાર્ડના પ્લોટ નં.૭૮માં લાવવામાં આવી રહ્યું હતું. ત્યારે ઘોઘાના દરિયામાં એન્કર પોઈન્ટ ઉપર બોર્ડિંગ કરવા માટે ઉભું રાખવામાં આવ્યું ત્યારે તેમાંથી ૪૦.૮૦ લાખની કિંમતનો મુદ્દામાલ ચોરી થયા અંગેની સત્તાવાર પોલીસ ફરિયાદમાં નોંધાયેલું છે. ત્યારે જે બે ચોર પકડાયા છે તેની પાસેથી પોલીસ માત્ર રૂા.૪,૯૯,૫૦૦નો મુદ્દામાલ જ કબજે કરી શકી છે. તો બાકીનો ૩૫ લાખથી વધુનો ચોરી કરેલો મુદ્દામાલ કયાં છે ? તેવો સવાલ ઉઠયો છે. બીજી તરફ પોલીસે બાકીના મુદ્દામાલ અંગે તપાસ આગળ વધારી હોવાનું જણાવ્યું છે.

હાથબથી એક કિ.મી. અંદર દરિયામાં ઈલે. કેબલ છુપાવી દીધો હતો

ડી.વી. ઈરિકામાંથી લાખો રૂપિયાની કિંમતના ઈલેક્ટ્રીક કેબલની ચોરી કર્યા બાદ દેશી ચાંચિયાઓએ પોલીસ પણ આકાશ-પાતાળ એક કરે તોય ચોરીનો કેબલ હાથમાં ન આવે તે માટે હાથબથી એક કિ.મી. અંદર દરિયામાં ૧૧૦૦ કિલો ઈલેક્ટ્રીક કેબલ છુપાવી દીધો હતો. જો કે, પોલીસે પણ તિસરી આંખ ખોલતા બન્ને દેશી ચાંચિયા પોપટની જેમ બોલવા લાગ્યા હતા અને જે જગ્યાએ કેબલ છુપાવ્યો હતો. ત્યાં પોલીસને લઈ જઈ કેબલ બહાર કાઢી આપ્યો હતો. તસ્કરો માટે ચોરીનો મુદ્દામાલ છુપાવવા વિશાળ સમુદ્ર સુરક્ષિત જગ્યા હોવાથી ચોક્કસ જગ્યા પણ નક્કી કરી રાખેલી હતી. વળી, ઈલેક્ટ્રીક કેબલ વજનદાર હોવાથી તણાઈ જવાનો નથી તેવી પણ તસ્કરોને ખબર હતી. જેથી મામલો શાંત પડયા પછી ચોરીનો મુદ્દામાલ વેચી મારવાની તસ્કરો ફિરાકમાં હોવાનું એસ.પી. ડો.હર્ષદ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું.

કસ્ટમ ક્લિયરન્સ માટે ડેડ વ્હેસલ ઉભું રહે ત્યારે ઉપર ચડી જતાં

દેશી ચાંચિયાઓ ડેડ વ્હેસલ આવે તેની રાહ જોતા હોય છે. આ ડેડ વ્હેસલ કસ્ટમ ક્લિયરન્સ માટે એકરેજ પોઈન્ટ ઉપર ઉભું રહે ત્યારે રાત્રિના સમયે દેશી ચાંચિયાઓ નાની બોટ લઈને સમુદ્ર વચ્ચે પહોંચે છે અને ઉપર ચઢી લાખો રૂપિયાનો કિંમતી મુદ્દામાલ ચોરી કરી નાની હોળીમાં ભરાઈ તેટલો સામાન લઈ નાસી જવાની મોડસ ઓપરેન્ડી રાખતા હોવાનું જિલ્લા પોલીસ વડાએ ઉમેર્યું હતું.

એમ.વી. હસન ડેડ વ્હેસલમાંથી ચોરીનો કોયડો ઉભો ને ઉભો

અલંગ શિપ યાર્ડમાં બે ડેડ વ્હેસલમાંથી ચોરીની ગત રવિવારે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી બે શખ્સને દબોચી લીધા હતા. આ બન્ને શખ્સે ડી.વી. ઈરિકા ડેડ વ્હેસલમાંથી ચોરી કર્યાની કબૂલાત આપી હતી. પરંતુ તેમાં પણ હજુ ૩૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવાનો બાકી છે. તો બીજી તરફ એમ.વી. હસન ડેડ વ્હેસલમાંથી પણ પોણા પાંચ લાખના મુદ્દામાલની ચોરી થઈ છે. તેમાં પોલીસને હજુ દેશી ચાંચિયાઓના સગડ મળ્યા નથી. જેથી એમ.વી. હસન ડેડ વ્હેસલમાંથી ચોરીનો કોયડો હજુ ઉભો ને ઉભો જ છે.

Image

દેવુબાગ સ્થિત પ્રમુખસ્વામિ ફ્લેટ્સના 3 માળના દાદર ધરાશાયી : આધેડનું મોત, 17નું રેસ્ક્યુ


કાટમાળ પડવાનો ગેબી અવાજ દૂર સુધી સંભળાયો : આસપાસના રહિશો પણ ઘર બહાર દોડી આવ્યા

સવારના સુમારે દૂર્ઘટના સર્જાતા પાર્કિંગમાં પડેલા બે વાહનો કાટમાળમાં દબાયા ઃ ફાયરની ટીમે નાના બાળકોથી લઇ અબાલ વૃદ્ધ સહિત ૧૭ રહેવાસીઓને સીડી સહિતના રેસ્ક્યુ સાધનોની મદદથી હેમખેમ બહાર કાઢ્યા

ઘટનાની જાણ થતાં મ્યુનિ. કમિશનર, કલેક્ટર સહિતના અધિકારીઓ દોડી ગયા તાશના પત્તાની જેમ દાદર ધડાકાભેર જમીનદોસ્ત થયો 

ભાવનગર: ભાવનગર શહેરના અનંતવાડી, દેવુબાગ વિસ્તારમાં આવેલા શ્રીપ્રમુખ સ્વામી ફ્લેટના ચાર માળ પૈકી ત્રણ માળના દાદર ધડાકાભેર તાશના પત્તાની જેમ ધરાશાયી થતાં ફ્લેટમાં જ રહેતા એક આધેડ વયના વ્યક્તિનું મલબામાં દબાઈ જવાથી કરૂણ મોત થયું હતું. અચાનક બનેલી દુર્ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર અને મ્યુનિ. કમિશનર સહિતના અધિકારીઓ તાબડતોડ સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યારે સ્થળ પર પહોંચેલી ફાયર વિભાગની ટીમે નાના બાળકો સહિત ૧૭ વ્યક્તિને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા.

શહેર મધ્યે વાઘાવાડી રોડ પર આવેલા માધવહિલ કોમ્પ્લેક્ષની ગેલેરી સહિતનો એક ભાગ ધરાશાયી થવાની ઘટના હજુ તાજી જ છે તેવામાં આજે સવારના સુમારે બનેલી વધુ એક ઘટનાએ આ ચકચારી ઘટનાની કરૂણાંતિકાને ફરી યાદ કરાવી હતી. ભાવનગર શહેરમાં આઘાત સાથે અરેરાટી સર્જતી ચકચારી ઘટનાની વિગત એવી છે કે, શહેરના અનંતવાડી, દેવુબાગ રોડ, પટ્ટણી પ્લાઝા કોમ્પલેક્ષની બાજુમાં આવેલ શ્રીપ્રમુખ સ્વામી ફ્લેટમાં આજે ગુરૂવારે સવારે ૧૧ કલાકની આસપાસ ચાર માળમાંથી ત્રણ માળના જર્જરીત થયેલા દાદર પાળાપીટ સાથે ધડાકાભેર ધરાશાયી થયા હતા. સ્લેબવાળા દાદરનો કાટમાળ જમીનદોસ્ત થયો ત્યારે આ સમયે જ ફ્લેટમાં રહેતા અને કમનસીબે દાદર ઉતરી રહેલા ભાવેશભાઈ પ્રમોદભાઈ શાહ (ઉ.વ.૫૦) ઉપર દાદરનો કાટમાળ પડયોહતો જેના પગલે તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે તાશના પત્તાની જેમ ધડાકાભેર જમીનદોસ્ત થયેલા દાદર સહિતના કાટમાળનો ગેબી અવાજ દુર દુર સુધી સંભળાયો હતો જેના પગલે અનંતવાડી, દેવુબાગ વિસ્તારમાં રહેતા રહિશો ઘરની બહાર દોડી આવ્યા હતાં. તો બીજી તરફ આ બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડ કાફલો રેસ્ક્યુના સાધનો સાથે ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને સૌ પ્રથમ દાદરના કાટમાળ નીચે દબાયેલા આધેડને ગંભીર હાલતે બહાર કાઢી ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં જ્યાં ફરજ પરના તબીબે ભાવેશભાઇ શાહને મૃત ઘોષિત કર્યાં હતાં. 

તો આ તરફ દુર્ઘટનાને લઇ ફાયર બ્રિગેડની ટીમે સતત બે કલાક સુધી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી અને પ્રમુખસ્વામિ ફ્લેટમાં આવેલા વિવિધ ફ્લેટ્સમાં ફસાયેલા નાના બાળકોથી લઇ અબાલ વૃદ્ધ સહિત ૧૭ રહેવાસીઓને સીડી સહિતના રેસ્ક્યુ સાધનોની મદદથી હેમખેમ બહાર કાઢ્યા હતાં. ઉપરાંત ફાયરની ટીમ અને સ્થાનિક રહિશો દ્વારા કાટમાળમાં ફસાયેલા બે વાહનોને પણ બહાર કાઢવામાં આવ્યા હતાં. બનાવની જાણ થતા ભાવનગર મ્યુનિ. કમિશનર એન.વી. ઉપાધ્યાય, જિલ્લા કલેક્ટર આર.કે. મહેતા સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતાં. જો કે, શ્રી પ્રમુખસ્વામિ ફ્લેટનો દાદર ધરાશાયી થવાની ઘટનાથી ફ્લેટના રહિશો રીતસરનું મોત ભાળી ગયા હતાં અને વહિવટી તંત્ર સામે બળાપો ઠાલવ્યો હતો. સમગ્ર બનાવને લઇ શહેરમાં ભારે ચકચાર મચી છે.

મિલકતની મરામતમાં ધ્યાન ન દેવાતા દુર્ઘટના બન્યાનું તારણ

આ અંગે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાએ જણાવ્યું હતું કે, શ્રીપ્રમુખ સ્વામી ફ્લેટને રિડેલપમેન્ટમાં લઈ જવાની ચર્ચાઓ ચાલતી હતી. તંત્ર દ્વારા બિલ્ડીંગના સ્ટ્રક્ચર સહિતની બાબતોને જોવાનું શરૂ કરી દેવાયું છે. હાલ તો પ્રાથમિક તબક્કે એવું માનવામાં આવી રહ્યું છે કે, મિલકતની મરામતમાં પૂરતું ધ્યાન ન દેવામાં આવતા આ દુર્ઘટના બની છે.

Image

રસ્તાના વિવાદમાં ન્યાય ન મળતાં ખેડૂતે કલેક્ટર કચેરીમાં ઝેરી દવા ગટગટાવી


તળાજાના રાળગોન ગામે રહેતા ખેડૂતે પારિવારિક વિખવાદ બાબતે વારંવાર રજૂઆત કરી હતી

આત્મહત્યાનો પ્રયાસ કરનાર ખેડૂતને ગંભીર હાલતમાં સારવાર અર્થે સર ટી.હોસ્પિટલ ખસેડાયા ઃ ખેડૂતની હાલત ગંભીર

ભાવનગર: તળાજા તાલુકાના રાળગોન ગામના ખેડૂતને ભાઈ સાથે જમીન-રસ્તાના વિવાદમાં ચાલી રહેલા ઝઘડામાં ન્યાય ન મળતા તેમણે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે આવી ઝેરના પારખા કરતા ગંભીર હાલતમાં સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કલેક્ટર કચેરીમાં ખેડૂતના આપઘાતના પ્રયાસે ભારે ચકચાર મચાવી છે.

ભાવનગર શહેર સહિત જિલ્લામાં ચકચાર મચાવતી ઘટનાની મળતી વિગત અનુસાર તળાજા તાલુકાના રાળગોન ગામે રહેતા ખેડૂત બાબુભાઈ કાળાભાઈ વળિયા (ઉ.વ.૬૨) અને તેમના ભાઈને બાજુ-બાજુમાં જમીન આવેલી હોય, જેથી રસ્તા બાબતે ઘણાં લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ બાબતે પ્રૌઢ ખેડૂતે જિલ્લા કલેક્ટર અને એસ.પી.ને અનેક વખત રજૂઆત કરવા છતાં ન્યાય મળતો ન હોવાથી આજે ગુરૂવારે બાબુભાઈ વળિયા ભાવનગર સ્થિત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા હતા અને અહીં ન્યાય ન મળતા લાગી આવતા તેમણે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતને ગંભીર હાલતે ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં ખેડૂતની સારવાર હાલ શરૂ છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું તબીબી સુત્રોએ જણાવ્યું હતું. તો બીજી તરફ આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. આ અંગે તેમના સબંધીઓએ જણાવ્યું હતું કે, જમીનના વિવાદમાં છેલ્લા ઘણાં સમયથી ન્યાય માટે ઝઝૂમતા ખેડૂત આધેડે આખરે ઝેરના પરખા કર્યા હતા. 

Image

ચિકન શોપના વેપારી ઉપર લોખંડના પાઈપ વડે હુમલો


ભરતનગર વિસ્તારમાં બનેલો બનાવ, ચાર શખ્સ સામે ફરિયાદ

વેપારીના બહેનને પણ પાઈપ ઝીંકી દેવાયા, ઘરે જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી

ભાવનગર : શહેરના ભરતનગર, મેમણ કોલોની વિસ્તારમાં આવેલી ચિકન શોપના માલિક તેમજ તેમના બહેન ઉપર તે જ વિસ્તારમાં આવેલી ચિકન શોપના માલિક અને કારીગરે ધરાવતા વેપારી ઉપર નજીકમાં આવેલ અન્ય ચિકન શોપમાં વેપારી અને તેના કારીગરે લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ અન્ય બે શખ્સે બાદ વેપારીના ઘર પાસે જઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ શહેરના ભરતનગર, મેમણ કોલોનીમાં રહેતા અને ઘર પાસે આવેલ મદીના મસ્જિદ નજીક ચિકન શોપ ધરાવતા અબ્દુલભાઈ ઉંમરભાઈ શેખ (ઉ.વ.૩૯) ગઈકાલે બપોરે તેમની દુકાને હાજર હતા. ત્યારે તે જ વિસ્તારમાં આવેલ યાદગાર ચિકન નામની દુકાને ચિકન લેવા આવેલા એક ગ્રાહક પાસે જૂના પૈસા બાકી હોય, જેથી અબ્દુલભાઈ શેખ બાકીના રૂપિયાની ઉઘરાણી માટે જતાં યાદગાર ચિકન શોપ ધરાવતો શખ્સ સાહિલ ગોંડલીયા અને તેના કારીગર જીગરે તમારે અમારી દુકાને આવતા ગ્રાહકો પાસે પૈસા માંગવા નહીં તેમ કહીં ગાળો દઈ લોખંડના પાઈપથી માર માર્યો હતો. આ મારામારી દરમિયાન અબદુલભાઈના બહેન સમીમબહેન વચ્ચે પડતા તેમને પણ આ શખ્સોએ લોખંડનો પાઈપ ઝીંકી દઈ ઈજા પહોંચાડી હતી. બનાવ બાદ હનિફ ઉર્ફે સાકીર ગોંડલિયા અને તેનો દિકરો સમદે અબ્દુલભાઈના ઘર પાસે આવીને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

ઘટના સંદર્ભે અબ્દુલભાઈ ઉંમરભાઈ શેખે સ્થાનિક ભરતનગર પોલીસમાં સાહિલ હનિફભાઈ ગોંડલીયા, સમદ સાહિલભાઈ ગોંડલિયા, જીગર અને હનીફ ઉર્ફે સાહિલ ગોંડલિયા વિરૂદ્ધ ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Image

એક જ દિવસમાં 701 શહેરીજનોએ રૂા. 1.63 કરોડનો મિલ્કત વેરો ભર્યો


- ચાલુ માસમાં 5,022 આસામી પાસેથી રૂા. 16.12 કરોડનો વેરો વસુલ

- 31 મી માર્ચ સુધી રજાઓના દિવસો સહિત રીકવરી ઝૂંબેશ શરૂ રહેશે અને કેશબારીઓ પણ કાર્યરત રહેશે 

ભાવનગર : ભાવનગરમાં આજે ૧ દિવસમાં ૭૦૧ આસામી દ્વારા ૧.૬૩ કરોડનો મિલકત વેરો ભરપાઈ કરાયો હતો. ૩૧મી માર્ચ સુધી રજાઓના દિવસો સહિત રીકવરી ઝૂંબેશ શરૂ રહેશે અને કેશબારીઓ પણ કાર્યરત રહેશે.

ભાવનગર મહાપાલિકાના ઘરવેરા વિભાગની કાર્પેટ એરિયા કર પદ્ધતિમાં બાકીવેરો ધરાવતા કરદાતાઓ પાસેથી વેરા વસુલાત કરવા અંગે ભાવનગર મહાપાલિકાના ઘરવેરા તથા રીકવરી વિભાગના તમામ સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે જપ્તિ ઝૂંબેશ શરૂ છે. આજે કુલ ૭૦૧ આસામી દ્વારા કુલ ૧.૬૩ કરોડ રૂપિયાનો મિલકત વેરો ભરપાઈ કરવામાં આવેલ છે. ચાલુ માસ માર્ચ દરમિયાન ૫,૦૨૨ આસામી પાસેથી કુલ ૧૬.૧૨ કરોડ રૂપિયાનો વેરો વસુલવામાં આવેલ છે. 

વધુમાં ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ઘરવેરાની કાર્પેટ પદ્ધતિમાં આકર્ષક વન ટાઈમ સેટલમેન્ટ સ્કીમ જાહેર કરાયેલ છે. જે અંતર્ગત જે-તે તારીખ સુધી ચડત વ્યાજ સાથે ચાલુ વર્ષની રકમ અને પાછલા બાકી રકમના પ્રતિ વર્ષ ૨૦ ટકા રકમ સાથે પ્રથમ હપ્તો તા. ૩૧-૩-૨૦૨૪ સુધીમાં ભરી પછીના ચાર વર્ષોમાં દરેક વર્ષનો હપ્તો જે-તે વર્ષની રીબેટ યોજનાના સમયગાળા સુધીમાં ભરપાઈ કરવાનો રહેશે. આમ સળંગ પાંચ વર્ષ સુધી આ રીતે વેરો ભરી ચડત વ્યાજમાંથી મુક્ત થવા મહાપાલિકા દ્વારા અનુરોધ કરાયો છે. 

આગામી તા. ૨૮-૩થી તા.૩૧-૩ સુધી રજાઓના દિવસો સહિત રીકવરી ઝૂંબેશ શરૂ રહેનાર હોઈ તથા દંડાત્મક કાર્યવાહીના ભાગરૂપે સ્થાવર તથા જંગમ મિલકતો જેવી કે કાર, સ્કૂટર, ટીવી, ફ્રીઝ વગેરે જપ્ત કરવામાં આવનાર છે તેમજ આગામી તા.૨૮-૩થી તા. ૩૧-૩ સુધી રજાઓના દિવસો સહિત વેરો સ્વીકારવા માટે મુખ્ય કચેરી તથા બન્ને ઝોનલ કચેરીઓ ખાતે કેશ બારીઓ પણ કાર્યરત રાખવામાં આવનાર છે. તેમ ઘરવેરા વિભાગ (મધ્ય)ના સુપ્રિન્ટેન્ડન્ટની યાદીમાં જણાવાયું હતું. 

Image

માસાંતે યુનિ.નું બજેટ મંજૂર ન થાય તો કર્મચારીઓનો પગાર થવામાં મુશ્કેલી


- નવા કુલપતિની નિમણૂક થઇ પણ હાજર થવામાં વિલંબ

- વાર્ષિક બજેટને એ.સી. ઇ.સી. કક્ષાએ પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી નથી, નવા-જુના કુલપતિ પરસ્પર સંકલન કરી પ્રક્રિયા પૂર્ણ કરે તો સમયસર પગાર થવાના એંધાણ

ભાવનગર : ભાવનગર યુનિવર્સિટીના લાંબી કશ્મકશ બાદ નવા કાયમી કુલપતિની નિમણૂક થવા પામી છે. પરંતુ આ નવા કુલપતિ હજુ સુધી હાજર થયા નથી ત્યારે યુનિવર્સિટીની મહત્વની બાબતો નિર્ણયના વાંકે પડતર રહી છે. જો કે, હાલ યુનિ.નું બજેટ મંજૂર કરવાનું પણ બાકી હોય માસાંતે બજેટ મંજૂર નહીં થાય તો સંભવતઃ યુનિ. કર્મચારીઓનો આગામી માસનો પગાર કરવામાં પણ મુશ્કેલી સર્જાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

એમ.કે. ભાવનગર યુનિવર્સિટી છેલ્લા બે વર્ષથી ઇન્ચાર્જ કુલપતિથી કાર્યભાર સંભાળી રહી હતી. જો કે, બે વર્ષના સમયગાળા દરમિયાન કાયમી કુલપતિ માટે બબ્બે વખત કુલપતિ પદ માટે અરજીઓ માંગવામાં આવી હતી અને બાદમાં રચાયેલી સર્ચ કમિટીની ભલામણના આધારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ગત તા.૧૪ માર્ચના રોજ અંતે અમદાવાદ એલ.એમ. કોલેજ ફાર્મસીના આચાર્ય ડો.મહેશ ટી. છાબરીયાને કુલપતિ પદે નિયુક્ત કર્યાં છે. નવનિયુક્ત કુલપતિ પોતાની જુની સંસ્થાના વહિવટી કામની વ્યસ્તતાને લઇ હજુ સુધી હાજર થયા નથી. જો કે, ચૂંટણી આચારસંહિતાના ગ્રહણના પગલે ઇન્ચાર્જ કુલપતિએ બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરી હતી અને તાબડતોબ બેઠક બોલાવી સ્ટેચ્યુટની મંજૂરી પણ આપી દેવામાં આવી હતી. જો કે, આ પ્રક્રિયા બાદ માર્ચ માસ પૂર્ણ થવાના આરે છે છતાં યુનિવર્સિટીનું વાર્ષિક બજેટ હજુ સુધી મંજૂર કરવામાં આવ્યું નથી. નિયમોનુસાર વાર્ષિક બજેટને સૈદ્ધાંતિક મંજૂરી આપતા પૂર્વે એ.સી. ઇ.સી. અને બોર્ડમાંથી મંજૂર કરવાનું હોય પરંતુ જે પ્રક્રિયા હજુ સુધી નહીં થતા આગામી માસમાં યુનિવર્સિટીના કર્મચારીઓનો પગાર પણ કરવામાં મુશ્કેલી પડે તેવી શક્યતાઓ સર્જાઇ છે. તો બીજી તરફ એકેડેમીક ફોર્મેશન, ઇ.સી. ફોર્મેશન, બોર્ડ ઓફ મેનેજમેન્ટ પોલીસી સહિત કોન્વોકેશન જેવા મુદ્દાઓ પર પણ નિર્ણય લેવાનું બાકી છે. ત્યારે નવા કાયમી કુલપતિની યુનિવર્સિટી આતુરતાથી રાહ જોઇ રહી છે. આ અંગે હાલ ઇન્ચાર્જ કુલપતિ એમ.એમ. ત્રિવેદીએ પણ નવનિયુક્ત કુલપતિ સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યા બાદ પડતર બાબતો અંગે નિર્ણયો લેશે તેમ જણાવી રહ્યા છે. જો ઇન્ચાર્જ કુલપતિ ધારે તો આ મુદ્દાઓ અંગે નવા કુલપતિને વિશ્વાસમાં લઇ બહાલીની અપેક્ષાએ નિર્ણય કરી શકે તેમ છે. પરંતુ નવા-જુના કુલપતિ વચ્ચે નિયમાનુસાર કાર્યવાહીનો આગ્રહ રહેતા સમગ્ર બાબત હાલ ઘોચમાં પડી હોવાનું જણાયું છે.

Image

30 મીએ 'કેટ', 'જ્ઞાનસાધના' કસોટી, 56 હજારથી વધુ છાત્રો આપશે પરીક્ષા


- રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ધો. 5 અને ધો.8 ના વિદ્યાર્થીઓ માટે લેવાશે પરીક્ષા

- કેટમાં 30,504, જ્ઞાનસાધનામાં 25,551 પરીક્ષાર્થી નોંધાયા : જિલ્લાના 113 કેન્દ્રો પર લેવાશે પરીક્ષા

ભાવનગર : ધો.૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધો.૬માં રેસીડેન્સીયલ સ્કુલ ઓફ એક્સલન્સમાં પ્રવેશ મેળવી શકે તે માટે આગામી તા.૩૦ના રોજ કેટ યોજાશે. તો આ જ દિવસે ધો.૮ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપતી સરકારની યોજના જ્ઞાનસાધના કસોટી પણ યોજાશે. બન્ને પરીક્ષાને લઇ ભાવનગર જિલ્લામાં અંદાજે ૫૬ હજારથી વધુ પરીક્ષાર્થીઓ નોંધાયા છે. 

પ્રાથમિક વિભાગમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ અને આર્થિક સહાયના ભાગરૂપે ગત વર્ષથી બે યોજના અમલી બનાવાઈ જોકે બન્ને યોજના મેરીટના આધારે લાભાન્વિત બને છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધો. ૫ના વિદ્યાર્થી માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (કેટ)ની પરીક્ષાનું આયોજન તા. ૩૦ માર્ચના રોજ કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે કુલ ૩૦૫૦૪ વિદ્યાર્થી પરીક્ષા આપશે. આ પરીક્ષા જિલ્લાભરના કુલ ૧૧૩ કેન્દ્રો પર લેવામાં આવશે. સરકારી ગ્રાન્ટેડ અને આર.ટી.ઈ.ના વિદ્યાર્થીઓએ અગાઉ ફોર્મ ભર્યા હતા. આ પરીક્ષા સવારે ૧૦.૩૦ થી ૧ દરમ્યાન ૧૨૦ માર્ક્સની ઓ.એમ.આર. પધ્ધતિથી લેવામાં આવશે જેના મેરીટના આધારે જ્ઞાનશક્તિ રેસિડેન્સીયલ સ્કુલ, રેસીડેન્સ સ્કુલ ઓફ એક્સલન્સ, રક્ષા શક્તિ સ્કુલમાં પ્રવેશ મેળવી કારકીર્દી ઘડી શકશે. આ ઉપરાંત સરકારી, ગ્રાન્ટેડ અને આર.ટી.ઈ.ના ધો. ૮ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસાધના સ્કોલર્શીપ યોજનાની પણ પરીક્ષા તા. ૩૦ના રોજ લેવાનું આયોજન કરાયું છે. ભાવનગર જિલ્લામાં કુલ ૨૫૫૫૧ વિદ્યાર્થીઓ જિલ્લાભરના ૧૦૮ પરીક્ષા કેન્દ્રો પર બપોરે ૩થી ૫.૩૦ દરમ્યાન પરીક્ષા આપશે જેનો પ્રશ્ન પત્ર પણ ૧૨૦ ગુણનો રહેશે. જે સંપૂર્ણ ઓ.એમ.આર. પધ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે. જેના મેરીટના આધારે સ્કોલર્શીપ સીધી ખાતામાં ફાળવવામાં આવશે. આમ કેટની અને જ્ઞાનસાધનાની પરીક્ષાને લઈ જિલ્લાશિક્ષણાધિકારીની કચેરી દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. 

Image

ખુંખાર સિંહણનો રાત્રે સિક્યુરીટી ગાર્ડ, સવારે 3 વન કર્મી પર હુમલો


- આક્રમક બનેલી સિંહણે લુણસાપુર ગામની ઉંઘ હરામ કરી હતી

- વન વિભાગે મેગા ઓપરેશન માત્ર બે કલાકમાં પાર પાડી સિંહણને પાંજરે પુરી

રાજુલા : ગીરથી નજીકનો વિસ્તાર એટલે અમરેલી જાફરાબાદ ગઇકાલે લુણસાપુર ગામે આવી ચડેલ સિંહણે પ્રથમ એક કંપનીના સિક્યુરીટી ગાર્ડ પર હુમલો કર્યો હતો જેની જાણ થતા વન વિભાગે પણ સિંહણને પકડવા કશ્મકશ હાથ ધરી હતી. દરમિયાન ભુરાઇ થયેલ સિંહણે વન વિભાગના ત્રણ કર્મચારી ઉપર પણ હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. જો કે, જાનના જોખમે વન કર્મીઓ અને ડોક્ટરે સિંહણને ટ્રન્ક્યુલાઇઝ કરવામાં સફળતા મળી હતી અને સવારે બે કલાકની જહેમત બાદ આ સિંહણને પાંજરે પુરવામાં આવતા લોકોએ અને વન તંત્રએ રાહતનો દમ લીધો હતો.

રાની પશુઓનો આવરો-જાવરો અને મારણના બનાવો નિયમિત બનતા હોય છે. પરંતુ અમરેલીમાં બનેલા સિંહણના હુમલાની ઘટનાએ ચકચાર મચાવી છે. જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામ નજીક આવેલ ખાનગી કંપનીના સિક્યુરીટી ગાર્ડ પર મોડી રાત્રે આવી ચડેલી સિંહણે હુમલો કર્યો હતો. દેકારો થતા સિંહણ ત્યાંથી નાસી છુટી હતી. જ્યારે સવાર મિતીયાળા વિસ્તારમાં પણ આજ સિંહણ જાણે હુમલો કરવા રઘવાઇ બની હોય તેમ દોડધામ કરતી હતી. બનાવ અંગે વન વિભાગને જાણ કરાતા જાફરાબાદ રાજુલા વન વિભાગનો મોટો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. પ્રથમ બે ટ્રેકરો સિંહણની મુવમેન્ટ ચેક કરવા આગળ ગયા હતા પરંતુ છુપાઇ બેસેલી સિંહણે આ બન્ને ટ્રેકરો ઉપર હુમલો કરી પંજા વડે ઇજા પહોંચાડી હતી. બનાવ વધુ પેચીદો બનતા અન્ય વન કર્મીઓને બોલાવી લીધા અને મોટો કાફલાએ સિંહણને પકડવા ઘેરાવ કર્યો હતો. દરમિયાન સિંહણ વધુ આક્રમક બની હતી અને વન વિભાગની ગાડી ઉપર ચડી ગઇ હતી. દરમિયાન ડોક્ટર ટીમે સિંહણને ઇન્જેક્શન મારવા પ્રયાસ કરતા સિંહણે ગાડીની અંદર ઘુસી ડ્રાઇવર પર હુમલો કરી બહાર ખેંચ્યો હતો જેમાં આ ડ્રાઇવર પણ ઇજાગ્રસ્ત બન્યો હતો. આ ઘટના બાદ વન વિભાગ ચિંતામાં મુકાઇ જવા પામ્યું હતું. પરંતુ સમગ્ર ઘટનાને મેગા ઓપરેશનનું નામ આપી વન વિભાગના અન્ય કર્મચારીઓએ જીવના જોખમે હિંમત દાખવી નજીક પહોંચી ઇન્જેક્શન વડે ટક્યુલાઇઝ કરી રઘવાઇ બનેલ સિંહણને બેભાન કરી દીધી હતી અને પાંજરે પુરી દેવામાં આવી હતી. આ બે કલાકની ભારે જહેમત બાદ આખરે વન વિભાગે ઓપરેશન સક્સેસફુલ રીતે પાર પાડતા વન વિભાગે અને ગ્રામજનોએ રાહતનો દમ લીધો હતો.

સિંહણને કોઇ બીમારી અથવા તકલીફ હોવાનું પ્રાથમિક તારણ

પાલિતાણા શેત્રુંજી ડિવિઝન ઇન્ચાર્જ એસીએફ જી.એલ. વાઘેલાએ જણાવ્યું હતું કે, કુલ ચાર વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો અને સિંહણનું આવું વર્તન કોઇ બીમારી કે કોઇ તકલીફ હોય તેવું પણ લાગી રહ્યું છે. જો કે, સિંહણને સ્ટાફે ભારે જહેમત બાદ બેભાન કરી દીધી છે અને હાલ સારવારમાં છે. સેમ્પલ લઇ તેના એનાલીસીસ બાદ સિંહણનું આવા વર્તનનું કારણ જાણી શકાય.

Image

ખાંભા તાલુકા મથકની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં તબીબી સાધનોના અભાવે હાલાકી


- ગરીબ દર્દીઓને અન્યત્ર જવાની ફરજ પડતી હોય લોકોમાં કચવાટ

- 2005 સુધી તબીબી સાધનો હતા, તબીબની બદલીની સાથે જ સાધનો ગુમ થયા હોવાની રાવ

રાજુલા : ૫૭ ગ્રામ્ય વિસ્તારોના ગરીબ અને મધ્યમવર્ગીય ગ્રામજનો માટે આર્શિવાદ સમાન ખાંભા તાલુકા મથકની એકમાત્ર સરકારી હોસ્પિટલમાં લાંબા સમયથી ફીઝીયોથેરાપીની સારવાર માટેના અત્યંત આવશ્યક તબીબી સાધનોનો અભાવ હોવાથી દર્દીઓને છાસવારે ધરમધકકાઓ થઈ રહ્યા છે.

આરોગ્ય ખાતાની ઉદાસીનતાને લઈને ગ્રામજનોમાં તંત્રવાહકો સામે પ્રબળ કચવાટ વ્યાપેલ છે. ખાંભા ખાતે આવેલ તાલુકાની એકમાત્ર સરકારી હોસ્પિટલ ખાતે ૨૦૦૫ બાદ ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરની નિમણુક થવા પામેલ છે.પરંતુ હોસ્પિટલમાં ફિજીયોથેરાપિસ્ટના સારવાર માટેના જરૂરી સાધનો ન હોવાથી છાસવારે સર્જાતા અકસ્માતના બનાવો, ગોઠણ,કમર અને સાંધાનો દુઃખાવો ધરાવતા અને મણકાની, સાયટીકાની તકલીફ ધરાવતા દર્દીઓ માટે ઉપયોગી આવશ્યક સાધનો ન હોવાથી જરૂરી સારવાર મળતી ન હોવાથી દર્દી નારાયણો ભારે હાલાકીમાં મૂકાઈ રહ્યા છે. ખાંભાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમ ડાયાથમી (ઈન્ટર ફેરેન્સિયલ થેરાપીટેન્સ ), રબર સ્ટેસન, અલ્ટ્રા સાઉન્ડ મસલ સ્ટીમુલેટર બૅસ, સ્ટેન્ડ, બેગ ૫૦૦ ગ્રામ, ૧,૨,૩ કિલો, બે કિલો, ડમ્બલ, ફીગર, ગ્રીપર જેલ,હેન્ડ કીપલ જેલ, એક્સલ બોલ સ્ટોલ, પેરાબેટર સોલ્ડર , શોલ્ડર  ટવીકલ સ્ટીકર, સાયકલ, જેવા ઇન્સ્ટ્મેન્ટ ન હોવાથી દર્દીઓને જરૂરી સારવાર ઘરઆંગણે મળતી ન હોવાથી ગંભીર પ્રકારના દર્દીઓને ફરજીયાતપણે ખાનગી વાહનોમાં ઉંચા ભાડા ચૂકવીને ઉના, સાવરકુંડલા અને રાજુલા સહિતના સેન્ટરોમાં ઉંચા ટિકિટ ભાડા ખર્ચીને સરકારી કે ખાનગી ફિઝીયોથેરાપીસ્ટ ડોક્ટર પાસે સારવાર લેવાની ફરજ પડે છે. વર્ષ ૨૦૦૫ સુધી ખાંભાના કેન્દ્રમાં ફિઝિયોલોજી ડોક્ટર હતા ત્યારે જરૂરી સારવારના સંપૂર્ણ સાધનો ઉપલબ્ધ હતા જે ડોક્ટરની બદલી થતાં હાલ ૧૫ વર્ષના સમયગાળામાં સંપૂર્ણ સાધનો ગુમ થયા હોય તેવી રાવ  ઉઠવા પામેલ છે.આથી આ આરોગ્ય કેન્દ્રમાં ફિઝિયોથેરાપિસ્ટના સારવારના સાધનો ફાળવવા બાબતે સરપંચ રીનાબેન બાબાભાઈ ખુમાણએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી આ પંથકના ગરીબ દર્દીઓ માટે ઉપરોક્ત સાધનોનો ફાળવવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

Image

મણાર ગામે ચેકડેમમાં ડૂબી જતા 3 મિત્રના કરૂણ મોત


- ધૂળેટી રમ્યા બાદ મિત્રોએ નહાવા માટે જતાં કાળનો કોળિયો બન્યા

- ગુંદરણા, અલંગ અને મણારમાં ત્રણેય હતભાગી મિત્રોની એક સાથે અંતિમયાત્રા નીકળી, પરિવારજનો-ગ્રામજનો હિબકે ચડયાં

તળાજા : તળાજા તાલુકાના મણાર ગામે ધૂળેટીમાં ત્રણ મિત્રે રંગોત્સવની ઉજવણી કર્યા બાદ મણારના ચેકડેમમાં નહાવા પડયા હતા. જ્યાં યુવાનોના ડૂબી જવાથી કરૂણ મોત હતા. આ ત્રણેય હદભાગી યુવાનોની ગુંદરણા, અલંગ અને મણાર ગામેથી એક સાથે અંતિમ યાત્રા નીકળી હતી. યુવાનોના અકાળે મોતથી પરિવાજનો અને ગ્રામજનો હિબકે ચડયાં હતા.

કરૂણ ઘટનાની મળતી વિગત અનુસાર તળાજા તાલુકાના મણાર ગામે રહેતા મુકેશ બાબુભાઈ મકવાણા (ઉ.વ.૪૦) તેના મિત્ર રવિ તુલસીભાઈ  કુટેચા (ઉ.વ.૨૦, રહે, અલંગ) અને રવિભાઈ ધરમશીભાઈ મકવાણા (ઉ.વ.૨૭, રહે, ગુંદરણા) નામના ત્રણ યુવાનોએ ગઈકાલે સોમવારે આનંદ અને ઉત્સાહ સાથે રંગોત્સવની ઉજવણી કરી હતી. ત્યારબાદ ધૂળેટીના પર્વની યાદગીરી માટે ત્રણેય યુવાન મિત્રોએ મોબાઈલ ફોનમાં સેલ્ફી લીધા બાદ મણાર ગામમાં નદી પણ બાંધવામા આવેલા ચેકડેમમાં નહાવા માટે ગયા હતા. અહીં યુવાનો માટે ચેકડેમમાં નહાવા જવાની છલાંગ આખરી બની ગઈ હોય તેમ નહાવા પડયા બાદ ચેકડેમના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. ત્રણ મિત્ર પાણીમાં ડૂબી લાપતા થયા અંગેની વાત વાયુવેગે પ્રસરતા પોલીસ, અલંગ ૧૦૮, તરવૈયા, અલંગ અને તળાજા ફાયરની રેસ્ક્યુ ટીમ, મામલતદાર, સર્કલ સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા અને શોધખોળ બનાવ ત્રણેય હતભાગી યુવાનના મૃતદેહોને ચેકડેમના પાણીમાંથી બહાર કાઢી તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં મૃતકા સગા-સબંધીઓ, ચુંવાળિયા ઠાકોર કોળી સમાજ તેમજ અન્ય સામાજિક, રાજકીય અને સેવાભાવી આગેવાનો દોડી આવ્યા હતા. 

આ બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ બનાવ સ્થળે દડી ગઈ હતી અને ત્રણેય હતભાગી યુવકોના મૃતદેહને ચેકડેમમાંથી  બહાર કાઢી તળાજા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા. પોસ્ટમાર્ટમ કરી મૃતદેહોને તેના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા બાદ આજે મંગળવારે સવારે ૮ કલાકે ગુંદરણા, અલંગ અને મણાર ગામે એક સાથે ત્રણેય હતભાગીઓની અંતિમ યાત્રા નીકળી હતી.

ગુંદરણાનો યુવાન સાત બહેન વચ્ચે એકનો એક ભાઈ હતો

તળાજાના મણાર ગામે ધૂળેટીના પર્વે ચેકડેમમાં ડૂબી જવાથી ત્રણ જીગરીજાન મિત્રોના અકાળે મૃત્યુની ઘટના બની છે. તેમાં ગુંદરણા ગામે રહેતા રવિભાઈ મકવાણા પણ અકાળે કાળનો કોળિયો બન્યા હતા. આ મૃતક યુવાન સાત બહેનો વચ્ચે એક નો એક ભાઈ હતો. મણાર ગામ પાસે પોપટભાઈ ભરવાડને ત્યાં ગેસ વેલ્ડીંગનું કામ કરતા રવિભાઈના હજુ બે વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હોય, કુદરતે કારમી થપાટ મારી પુત્રને છીનવી લીધાનું મૃતકના પિતા ધરમશીભાઈએ જણાવ્યું હતું. તો મુકેશભાઈ મકવાણા અલંગમાં ફર્નિચરનું કામ કરતા અને એક માસ પહેલા જ દીકરીને સાસરે વળાવી હતી. જ્યારે રવિભાઈ કુડેચા શિપ વ્યવસાય કરતા હતા.

રંગોથી રંગાયેલા મિત્રોએ છેલ્લી સેલ્ફી સાથે લીધી

ધૂળેટીનો પર્વ ત્રણ પરિવાર માટે કદી ન પૂરાય તેવી મોટી ખોટ લઈને આવ્યો હતો. મણાર, ગુંદરણા અને અલંગના ત્રણ મિત્રોએ ઉમંગ, ઉત્સાહ સાથે રંગોત્સવની ઉજવણી કર્યા બાદ રંગોથી રંગાયેલા મિત્રોએ જીવનભરની યાદી માટે સેલ્ફી ફોટો પણ પાડયો હતો. જો કે, આ સેલ્ફી તેમના જીવનની છેલ્લી સેલ્ફી બની રહી હતી. ધૂળેટી રમ્યા બાદ મણાર-ભાંખલ વચ્ચે વહેતી મણારી નદી પરના ચેકડેમના ઊંડા પાણીમાં નહાવા પડતા મોતને ભેટયાં હતા.

Image

ભાવનગરથી દોડતી પાંચ જોડી ટ્રેન વધુ ત્રણ માસ માટે લંબાવાઈ



- ભાવનગર-બાન્દ્રા વીકલી, ભાવનગર-ગાંધીગ્રામ, ભાવનગર-ધોળા સહિત 

- લંબાવાયેલ ટ્રેનમાં બોટાદ-ગાંધીગ્રામ અને બોટાદ-ધ્રાંગધ્રાનો સમાવેશ, ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખી રેલવે પ્રશાસનનો નિર્ણય

ભાવનગર : ભાવનગર-બાન્દ્રા વીકલી, ભાવનગર-ગાંધીગ્રામ, ભાવનગર-ધોળા સહિત ભાવનગરથી દોડતી પાંચ જોડી ટ્રેન વધુ ત્રણ માસ માટે લંબાવવાનો નિર્ણય રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે. 

જે ટ્રેનોની સમયમર્યાદા માર્ચ, ૨૦૨૪ સુધી નક્કી કરવામાં આવી હતી તે ભાવનગર રેલવે ડિવિઝનમાં દોડતી પાંચ જોડી ટ્રેનને ઉનાળાની રજાઓ અને લગ્નની સિઝનમાં ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ જૂન મહિના સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.

 ભાવનગર ડીવિઝનના  સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ ટ્રેન નંબર ૦૯૨૦૮ ભાવનગર-બાંદ્રા સાપ્તાહિક ટ્રેન જે દર ગુરુવારે ભાવનગર ટમનસ સ્ટેશનથી દોડે છે તે ૨૭.૦૬.૨૦૨૪ સુધી ચાલશે. ટ્રેન નંબર ૦૯૨૦૭ બાંદ્રા ટમનસ સ્ટેશનથી દર શુક્રવારે ચાલતી બાંદ્રા-ભાવનગર સાપ્તાહિક ટ્રેન ૨૮.૦૬.૨૦૨૪ સુધી ચાલશે. ટ્રેન નંબર ૦૯૨૧૨/૦૯૨૧૧ બોટાદ-ગાંધીગ્રામ-બોટાદ ટ્રેન ૨૯.૦૬.૨૦૨૪ સુધી ચાલશે. ટ્રેન નંબર ૦૯૨૧૩/૦૯૨૧૪ બોટાદ-ધ્રાંગધ્રા-બોટાદ ડેમુ ટ્રેન ૨૯.૦૬.૨૦૨૪ સુધી ચાલશે. ટ્રેન નંબર ૦૯૨૧૬/૦૯૨૧૫ ભાવનગર-ગાંધીગ્રામ-ભાવનગર ટ્રેન ૨૯.૦૬.૨૦૨૪ સુધી ચાલશે અને  ટ્રેન નંબર ૦૯૫૩૦ ભાવનગર-ધોળા ટ્રેન ૨૯.૦૬.૨૦૨૪ સુધી ચાલશે અને ટ્રેન નંબર ૦૯૫૨૯ ધોળા-ભાવનગર ટ્રેન ૩૦.૦૬.૨૦૨૪ સુધી ચાલશે.

Image

હોળી પર્વ : બે દિવસમાં 108 ને હૃદય સંબંધિત સમસ્યાના 25 કોલ મળ્યા


- ધૂળેટીના દિવસે મેડિકલ ઈમર્જન્સી કેસોમાં 14 ટકાનો વધારો નોંધાયો

- ગોહિલવાડમાં હોળીના દિવસે 99 અને ધૂળેટીના દિવસે 153 ઈમર્જન્સી નોંધાઇ, અકસ્માતમાં ઈજાના 47, વાહન અકસ્માતના 40 બનાવ નોંધાયા

ભાવનગર : ગોહીલવાડમાં ઉત્સાહપૂર્વક હોળી પર્વની ઉજવણી થઈ છે. લાંબી રજાઓના સંયોગથી તહેવારનો ઉત્સાહ બેવડાયો હતો. તહેવારની ઉજવણીની વચ્ચે મેડિકલ ઈમર્જન્સીના કેસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો. આ બે દિવસ દરમિયાન સામાન્ય દિવસોની સરખામણીએ ઈમર્જન્સી ૧૦૮ સેવાને ૧૪ ટકા વધારે ઈમર્જન્સી કોલ મળ્યા છે. બંને દિવસ દરમિયાન ૨૫૨ ઈમર્જન્સી ઘટનાઓ ઘટી હતી. જેમાં અકસ્માતમાં ઈજા, વાહન અકસ્માતની ઘટના, હૃદય સંબંધિત તકલીફો, સગર્ભા મહિલાઓના કેસો મુખ્ય હતા.

ભાવનગર શહેર અને જિલ્લામાં હોળી પર્વની ધામધુમપૂર્વક ઉજવણી થઈ છે. તહેવારના આ દિવસોમાં મેડિકલ ઈમર્જન્સી વધવાની સંભાવનાને પગલે ઈમર્જન્સી ૧૦૮ સેવા દ્વારા ભાવનગર શહેર અને જિલ્લામાં એમ્બ્યુલન્સ અને સ્ટાફ તૈનાત રાખવામાં આવ્યો હતો. ઈમર્જન્સી સેવાના પૂર્વાનુમાન અનુસાર જ ભાવનગરમાં સામાન્ય દિવસોની સરખામણીએ ધુળેટીના દિવસે ૧૪ ટકા વધારે ઈમર્જન્સી કેસો મળ્યા હતા. જોકે હોળીના દિવસે ધારણા કરતા ઓછા ઈમર્જન્સી કેસ હતા તે રાહતની વાત હતી પરંતુ ધૂળેટીના દિવસે આ આંકડો વધ્યો હતો. જેમાં મખ્ય અકસ્માતમાં ઈજા, વાહન અકસ્માત,  હૃદય સંબંધિત તકલીફો, સગર્ભા મહિલાઓના કેસ, શ્વાસ અને પેટ સંબંધિત તકલીફોની મેડિકલ ઈમર્જન્સી વધારે નોંધાઈ હતી. મહત્વની વાત એ છે કે આ બે દિવસ દરમિયાન હૃહય સંબંધિત તકલીફોના ૨૫ કેસો નોંધાયા હતા. જેમાં કાર્ડિયાક અરેસ્ટના ૫ કેસ, કાર્ડિયાક-બ્લડ પ્રેશનની સમસ્યાના ૫ અને છાતીમાં દુઃખાવાના ૧૫ કેસો નોંધાયા હતા. આ સિવાય સગર્ભા મહિલાઓ સંબંધિત ૪૭ કેસો નોંધાયા હતા. હોળીની સરખામણીએ ધુળેટીના દિવસે ઈમર્જન્સી કેસોની સંખ્યા વધારે રહી હતી. ભાવનગર જિલ્લામાં સામાન્ય દિવસોમાં ૧૩૪ ઈમર્જન્સી ઘટનાઓ ઘટે છે તેની સરખામણીએ ધૂળેટીના દિવસે ૧૪ ટકા વધારે ૧૫૩ ઘટનાઓ નોંધાઈ હતી અને ધુળેટીના દિવસે ૯૯ ઘટનાઓ નોંધાઈ હતી. બંને દિવસોના મળીને ઈમર્જન્સી સેવાને કુલ ૨૫૨ ઈમર્જન્સી કોલ મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સપ્તાહના અંતમાં હોળી પર્વના આવ્યું હોવાથી મીની વેકેશન જેવી સ્થિતિના કારણે રોડ ટ્રાફિકના કારણે અકસ્માતના કેસો વધવાની સંભાવના હતી. ઉપરાંત હોળી પર્વ સુરક્ષિત રીતે ઉજવાય તે માટે ઈમર્જન્સી ૧૦૮ દ્વારા એક્શન પ્લાન ઘડાયો હતો.

ઇમર્જન્સી કેસ

કોલ

પેટના દુઃખાવા સંબંધિત કેસ

૩૦

શ્વાસ સંબંધિત કેસ

૧૭

હૃદય સંબંધિત કેસ

૨૫

સગર્ભા મહિલાના કેસ

૪૭

અકસ્માત

૪૭

વાહન અકસ્માત

૪૦

અન્ય

૪૬

Image

સિહોરમાં લોકાર્પણના 12 વર્ષ બાદ પણ ફીલ્ટર પ્લાન્ટ શરૂ થવાની રાહમાં


- 12 માં નાણાંપંચ અંતર્ગત ફિલ્ટર પ્લાન્ટ બનાવાયો હતો

- ઉનાળાના પ્રારંભે સિહોરમાં 8 દિવસે પાણી મળે છે, આગામી દિવસોમાં જનતાની પરિસ્થિતિ શું થશે?

સિહોર : સિહોરમાં ૧૨માં નાણાંપંચ અંતર્ગત બનાવવામાં આવેલા ફિલ્ટર પ્લાન્ટનું લોકાર્પણ થઈ ગયા બાદ તેમાં નબળી કામગીરી થઈ હોવાનું સામે આવતા વિપક્ષ દ્વારા ભારે વિરોધ થયો હતો. આ ફિલ્ટર પ્લાન્ટ આજદિન સુધી રિપેર નહી થતાં સિહોરની જનતાને શુદ્ધ પીવાનું પાણી નથી મળતું. હાલ ઉનાળાના પ્રારંભે સિહોરમાં ૮ દિવસે પાણી મળે છે તો આગામી દિવસોમાં જનતાની પરિસ્થિતિ શું થશે તે મોટો પ્રશ્ન છે.

સિહોર નગરપાલિકા દ્વારા ૧૨માં નાણાંપંચ અંતર્ગત ૧૪ એમ.એલ.ડી.ની ક્ષમતાનો વોટર વર્કસ ખાતે ફીલ્ટર પ્લાન્ટ ૧૪૯.૮૩ લાખના ખર્ચે તા.૫/૧/૨૦૧૨ બનીને નગરપાલિકાને સોંપી દેવમાં આવ્યો હતો. જેનું લોકાર્પણ થયા બાદ પ્લાન્ટમાં પાણી ભરાતા બે દિવસમાં ઓછું થઈ જતાં ભ્રષ્ટાચાર અને નબળી કામગીરી થઈ હોવાથી જે-તે સમયે વિપક્ષ દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જે બાદ ૨૪/૦૪/૨૦૧૨ના રોજ ફિલ્ટર પ્લાન્ટ રિપેરિંગ કરવા એજન્સીને આખરી નોટિસ અપાઈ હતી છતાં આજ દિન સુધી સિહોરની જનતાને શુદ્ધ પાણી મળતું નથી. બીજી તરફ સિહોરને મહી પરીએજનું પાણી હાલ રોજનું ૧૦ એમએલડી પાણી મળે છે અને સિહોરનું ગૌતમેશ્વર તળાવ પણ આખું ભર્યું હોવા છતાં સિહોરની જનતાને ૮થી ૧૦ દિવસે એકવાર પાણી સપ્લાઈ કરવામાં આવે છે. હાલ ઉનાળાના પ્રારંભે આ સ્થિતિ છે તો આગામી દિવસોમાં શું પરિસ્થિતિ થશ તેની કલ્પના કરવી મુશ્કેલ છે. હાલ વોટરવર્કસ વિભાગમાં બમણો સ્ટાફ હોવા છતાં પણ અણઆવડતના કારણે સિહોરની જનતાને પાણી માટે મુશ્કેલી પડી રહી છે. ડહોળું અને દુર્ગંધયુક્ત પાણી મળતું હોવાથી લોકો પાણીજન્ય રોગોનો ભોગ બની રહ્યાં છે. આ અંગે યોગ્ય તપાસ કરી નાગરિકોને સમયસર શુદ્ધ પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેમ શહેરીજનોની ઈચ્છી રહ્યાં છે.

Image

જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરિક્ષા માટે સજ્જ કરવાનો ધુ્રપકાના શિક્ષકનો સેવાયજ્ઞા


- ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓની કારકિર્દી બનાવવા માટે દીવાદાંડી સમાન શિક્ષક

- વેકેશન, સરકારી રજા અને જાહેર રજાનો સદ્ઉપયોગ કરી એન. એમ. એમ. એસ. અને જ્ઞાાન સાધના પરિક્ષાની વિશેષ તાલીમ આપે છે

ભાવનગર : સિહોર તાલુકાના ધુ્રપકા ગામે આવેલ શાળાનાં શિક્ષક ખરા અર્થમાં શિક્ષણ માટે સમર્પિત છે. પોતાની શાળાના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં કેમ તૈયારી કરવી તેના માર્ગદર્શનની સાથે મટીરીયલ અને પરીક્ષા ફીની જવાબદારી પણ તેઓ ઉઠાવી રહ્યાં છે સાથે રજા કે તહેવારોમાં પણ તેઓ શિક્ષણને સમર્પિત રહેવા પામે છે. 

ગળાકાપ સ્પર્ધાનો યુગ ચાલી રહ્યો છે ને સ્પર્ધાત્મક યુગમાં ટકી રહેવા માટે વિશેષ નહીં પરંતુ સ-વિશેષ મહેનતની જરૂર પડતી હોય છે. સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ પૈકી જે વાલીની આવકો દોઢ લાખ કરતાં ઓછી હોય તેના માટે સરકાર દ્વારા આગલના ઉચ્ચ અભ્યાસ માટે દર મહિને અલગથી શિષ્યવૃત્તિ અપાતી હોય છે અને આના માટે વિદ્યાર્થીઓને વિશેષ રૂપે સજ્જ કરવા માટે સિહોર તાલુકાની ધુ્રપકા શાળાનાં શિક્ષક હિંમતભાઈએ શાળાના આચાર્ય અકબરભાઈ બાબીના માર્ગદર્શન નીચે સઘન પ્રયાસો હાથ ધર્યા છે.

ગત મે ૨૦૨૩ના વેકેશનના સમયગાળાથી આજ દિન સુધી વિદ્યાર્થીઓને એન. એમ. એસ. અને જ્ઞાાન સાધનાની પરીક્ષા માટે વિશેષ તૈયારી કરાવવામાં આવે છે. હિંમતભાઈ રવિવાર કે અન્ય જાહેર રજા કે વેકેશન ભોગવતા નથી આ સમયગાળા દરમ્યાન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવાઈ છે. શાળાના કામકાજનાં દિવસો દરમ્યાન રોજ સવારે એક કલાક વહેલા શાળાએ આવીને વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરક્ષાના પેપર સોલ્વ કરાવવામાં આવે છે. આખા વર્ષ દરમ્યાન વિવિધ ગુ્રપમાંથી આવતા પેપરની પોતાના જ પ્રિન્ટરમાં પ્રિન્ટ કાઢી, વિદ્યાર્થીઓને આ પ્રિન્ટ આપવામાં આવે છે. જે પ્રિન્ટર અને કાગળ પોતના જ વાપરે છે. આ વરસે આખા વર્ષ દરમ્યાન બેશુમાર પેપરોની તૈયારી કરાવવામાં આવી છે. વર્ષના અંતે ધો. ૬ અને ધો. ૮ના વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ તો ભરી આપ્યા પણ સાથો સાથ આ પરક્ષા માટેની ઓનલાઈન ફી પણ તેઓએ જાતે જ ભરી આપી છે. તદુપરાંત આ પરીક્ષાની તૈયારી કરવા માટે જરૂરી સંદર્ભ સાહિત્ય પણ વિદ્યાર્થીઓને વિનામુલ્યે પુરું પાડવામાં આવે છે. આવી જ રીતે પી.એસ.ઈ. અને અન્ય પરીક્ષાઓ માટે પણ વિદ્યાર્થીઓ માટે અલગથી સમય ફાળવે છે. 

Image

68 વર્ષ જૂની ભાવનગર ડિસ્ટ્રીક્ટ ચેમ્બરના હોદ્દેદારો બિનહરિફ ચૂંટાયા


- 1200 થી વધુ ઉદ્યોગકારોની સભ્ય સંખ્યા ધરાવતી

- પ્રમુખ તરીકે ભૂપતભાઈ વ્યાસ અને ઉપપ્રમુખ તરીકે ચેતનભાઈ કામદાર અને કારોબારી સમિતિના 21 સભ્યોની બિનહરિફ વરણી

ભાવનગર : ભાવનગર જિલ્લામાં ૬૮ વર્ષથી ઉદ્યોગો માટે કામ કરતી અગ્રગણ્ય સંસ્થા તથા ૧૨૦૦થી વધુ ઉદ્યોગકારોનું સભ્યબળ ધરાવતી ભાવનગર ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના વર્ષ ૨૦૨૪-૨૬ની બે વર્ષની મુદ્દત માટે હોદ્દેદારોની બિનહરિફ વરણી થઈ છે.

 ભાવનગર ડિસ્ટ્રીક્ટ ચેમ્બરના પ્રમુખ તરીકે ભૂપતભાઈ વ્યાસ કે જેઓ પ્લાસ્ટિક ઉદ્યોગના પાયોનિયર છે. તેમજ મોનો ફિલામેન્ટ પ્લાન્ટના ઉત્પાદ્દન તથા સ્થાનિક સ્તરે પ્લાસ્ટિક ઉદ્યોગનું નેતૃત્વ કરે છે, તેમની વરણી થઈ છે અને ઉપપ્રમુખ તરીકે ચેતનભાઈ કામદાર કે જેઓ મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને મીઠા ઉદ્યોગની સ્થાનિક તેમજ રાષ્ટ્રીય સ્તરની સંસ્થામાં અગત્યનું સ્થાન ધરાવે છે અને સીઆઈઆઈના ભાવનગર જિલ્લાના ચેરમેન તરીકે તેમણે પ્રશંસનીય કામગીરી કરી છે, તેમની વરણી થઈ છે. 

 કારોબારી સભ્યોમાં મહેન્દ્રભાઈ એસ. શાહ, રવિન્દ્રભાઈ  ડી. ઘેવરિયા, દેવલભાઈ જે. શાહ, મનસુખલાલ એમ. કામાણી, ધીરૂભાઈ સિદ્ધપુરા, કે.બી. લાધાવાળા, પ્રતિકભાઈ સુરેજા, વૃંદાવનભાઈ જે. જગડ, પરેશભાઈ હાંસલિયા, ઉર્મિશભાઈ સિદ્ધપુરા, સ્નેહલભાઈ સિદ્ધપુરા, ભૌતિકભાઈ જે. ડેલીવાળા, વિરેનભાઈ પી. મહેતા, શૈલેષભાઈ હરસોરા, પ્રસન્નકુમાર ખેમકા, કાનજીભાઈ ચૌહાણ, દીપકભાઈ ડી. ચૌહાણ, વિજયભાઈ પી. નવાપરા, કિશોરભાઈ સુરેજા, પ્રવિણકુમાર કણસાગરા અને હસમુખભાઈ એલ. પટેલની વરણી થઈ હતી. 

 સમગ્ર ચૂંટણીની કાર્યવાહી ચૂંટણી અધિકારી તરીકે સી.એ. નિહારભાઈ વોરા અને પી.જી. હેમાણી એન્ડ કો. દ્વારા પરિપૂર્ણ કરવામાં આવી હતી. 

Image

સિહોર પંથકના ઘાંઘળીનો શખ્સ 3 કિલો ચરસ, 1 કિલો સુકા ગાંજા સાથે ઝડપાયો


- શખ્સ પોતાના કબ્જા ભોગવટાના ઘરમાં ગાંજા-ચરસનું વેચાણ કરતો હોવાની બાતમી આધારે

- રૂા. 5.52 લાખની કિમતના ચરસ અને રૂા. 15 હજારના સુકા ગાંજાની ભૂકી સહિતનો મુદ્દામાલ કબ્જે લેતી એલસીબી 

સિહોર : સિહોર પંથકના ઘાંઘળીનો શખ્સ પોતાના કબ્જા ભોગવટાના ઘરમાં ગાંજા-ચરસનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે ભાવનગર એલસીબી પોલીસે રેડ કરી હતી અને ચરસ વજન-૩.૬૮૪ કિ.ગ્રા. કિ.રૂ.૫,૫૨,૬૦૦ તથા સુકા ગાંજાની ભુકી વજન-૧.૫૨૨ કિ.ગ્રા. કિ.રૂ.૧૫,૨૨૦ સહિત કુલ કિ.રૂ.૫,૬૮,૩૨૦ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો. 

આ અંગેની વિગત અનુસાર ભાવનગર,એલ.સી.બી. સ્ટાફને બાતમી રાહે હકિકત મળેલ કે, હિંમતભાઇ ઉર્ફે ભડુ બાબુભાઇ ચુડાસમા (રહે. ઘાંઘળી (નવુ પરૂ) આમલી ફળી વાળી શેરી, તા.શિહોર જી.ભાવનગર) પોતાના કબ્જા ભોગવટાના ઘરમાં ગાંજો તથા ચરસ રાખી વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં ચરસ વજન-૩.૬૮૪ તથા સુકા ગાંજાની ભુકી વજન-૧.૫૨૨ કિ.ગ્રા. જથ્થો મળી આવ્યો હતો.  

 પોલીસે ચરસની ગોળીઓ નંગ-૧૦G૪ વજન-૩.૬૮૪ કિ.ગ્રા. કિ.રૂ.૫,૫૨,૬૦૦ તથા વનસ્પતીજન્ય ગાંજાની ભુકી વજન-૧.૫૨૨ કિ.ગ્રા. કિ.રૂ.૧૫,૨૨૦ તથા ખાખી સેલોટેપવાળા પેકેટ તથા પારદર્શક પ્લાસ્ટીકવાળા ખાલી પેકેટ્સ, ગાંજાની ભુકી ભરેલ પારદર્શક પ્લાસ્ટીકની કોથળી, કાળા કલરનો સેમસંગ કંપનીનો સાદો કીપેડવાળો મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦ તથા આરોપીના નામનું આધારકાર્ડ સહિત કુલ કિ.રૂ.૫,૬૮,૩૨૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. 

 જે અંગે એલસીબી પોલીસે શખ્સ વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એકટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ હતો. 

Image

સિહોરમાં દારૂની 360 બોટલ અને 48 બિયરના ટીન સાથે શખ્સ ઝબ્બે


- પોલીસે દરોડો કર્યો ત્યારે દારૂ અને બિયરનું કટીંગ ચાલતું હતું 

- દારૂ, બિયર અને કાર સહિત કુલ રૂા. 8,08,800 નો મુદ્દામાલ કબજે લેતી સિહોર પોલીસ : બે અજાણ્યા શખ્સ, ફોરવ્હીલના માલિક વિરૂદ્ધ ગુનો દાખલ

સિહોર : સિહોરમાં ટાણા ચોકડી પાસે આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં સિહોર પોલીસે દરોડો કરી ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂ અને બિયરનું કટીંગ થતું હતું ત્યારે સિહોર પોલીસ ત્રાટકી હતી. પોલીસે ઇંગ્લિશ દારૂ બિયર અને કાર સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. જ્યારે બે શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.

આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર સિહોર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળતા તુરંત જ પોલીસે સિહોરના ટાણા ચોકડી પાસે આવેલ કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા યોગેશ બાલકૃષ્ણભાઈ મહેતાના રહેણાંકના મકાન પર દરોડો કર્યો હતો. એ વખતે અલગ અલગ કારમાં ઇંગ્લિશ દારૂ અને બિયરનું કટીંગ ચાલી રહ્યું હતું. પોલીસે ઘેરાબંધી કરી યોગેશને દબોચી લીધો હતો. તદુપરાંત, અલગ અલગ કારમાંથી વિદેશી દારૂ અને બિયરની બોટલો કબજે કરી હતી. સિહોર પોલીસે વિદેશી દારૂ બિયર અને કાર મળી કુલ રૂ.૮,૦૮,૮૦૦ ના મુદ્દામાલ સાથે યોગેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે કટીંગ કરી રહેલા બે અજાણ્યા ફરાર થવામાં સફળ થયા હતા. શિહોર પોલીસે યોગેશ મહેતા, બે અજાણ્યા અને ફોરવ્હીલ ગાડીઓના માલિકો વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

Image

શહેરમાં 250 થી વધુ સ્થળોએ હોલીકા પ્રગટાવાઈ, આજે ઠેર-ઠેર રંગોની છોળો ઉડશે


- આ વર્ષે પ્રતિકાત્મક હોળીના નાના આયોજનોની સંખ્યા વધી 

- અવનવર રંગ, ફૂગ્ગા  તેમજ પીચકારીની સીઝનલ માર્કેટમાં છેલ્લી ઘડીએ મોટા પાયે ખરીદી નિકળતા વિક્રેતાઓમાં ઉત્સાહ વધ્યો

ભાવનગર : પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આસુરી વૃત્તિઓ ઉપર દૈવી શકિતના વિજયના પ્રતિક સમાન તેમજ પરિવારજનો, મિત્રવર્તુળ સહિતના સ્વજનોને એકસૂત્રમાં બાંધતા અનોખા હોલીકા પર્વની ગોહિલવાડમાં રવિવારે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.આવતીકાલ તા.૨૫ માર્ચને સોમવારે ગોહિલવાડમાં રંગપર્વ ધૂળેટીના તહેવારની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર ઉજવણી કરાશે.આ સાથે ચોમેર હોળી ધૂળેટી પર્વનો અનેરો માહોલ છવાયેલો દ્રશ્યમાન થયો હતો.

ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે પણ રવિવારે ઠેર-ઠેર શેરીઓ અને મહોલ્લાઓ, ચોક, સાર્વજનિક ખુલ્લા પ્લોટમાં હોળીના આયોજન કરાયા હતા.રવિવારે સવારથી જ મોટા ભાગના મંડળોના કાર્યકરો દ્વારા હોળીકા પ્રાગટય નિમીત્તે સુશોભન, ઉંચાઈવાળી છાણા, લાકડાઓ સાથેના શણગાર સહિતની તૈયારીઓ હાથ ધરાઈ હતી. એક અંદાજ મુજબ ભાવનગર શહેરમાં કણબીવાડ, વડવા, ભગાતળાવ, ગૌરીફળીયુ, આનંદનગર, સુભાષનગર, ભરતનગર, કાળીયાબીડ, આતાભાઈ ચોક, વાઘાવાડી રોડ પર ફિલ્ટ્રેશન પ્લાન્ટ પાસે, ઘોઘાસર્કલ સહિતના સ્થળોએ મળી કુલ ૨૫૦ થી વધુ સ્થળોએ નાની અને મોટી હોલીકા પ્રાગટય કરાયુ હતુ. રવિવારે મોડી સાંજે શુભ મુર્હૂતે હુતાશણી પ્રગટાવાઈ હતી.આ સાથે સ્થાનિક ભાવિકો ખાસ કરીને નવવિવાહીતો,નવયુગલો,ભાવ અને ભકિતમય માહોલમાં દૂધ અને જળની ધારાવડી કરતા પ્રદક્ષિણા ફરી હતી. ભાવીકો દ્વારા શ્રીફળ, ધાણી, દાળીયા, ખજુર, પતાસાની આહૂતિઓ આપી હતી. શેકાયેલ શ્રીફળ પ્રસાદી તરીકે ઉપયોગમાં લેવાય છે.  અને મધરાત્રીના હુતાસણીના કેન્દ્રબીંદુમાં મુકાયેલ ધાન્ય, અનાજ ભરેલ કુંભ કાઢી બફાયેલા ધાન્યનું પ્રસાદી તરીકે વિતરણ કરાયુ હતુ.હવે મોટા ભાગના સ્થળોએ મોટી હોળી કરતા પ્રતિકાત્મક રીતે નાની હોળીના આયોજન થયા હતા.જયારે ગ્રામ્ય વિસ્તારોમાં હોળીકાના પ્રાગટય બાદ મહિલાઓ દ્વારા હોળી ગીત ગાતા ગાતા પ્રદક્ષિણા કરાઈ હતી.  આવતીકાલ તા.૨૫ ને સોમવારે પરસ્પર પ્રેમની અભિવ્યકિત કરવા માટેના અનોખા રંગપર્વ ધૂળેટીના તહેવારની ધમાકેદાર ઉજવણી કરવા માટે બાળકોથી લઈને યુવાનોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. આવતીકાલે સવારથી જ ઘોઘાસર્કલ, મહિલા કોલેજ સર્કલ, રૂપાણી સર્કલ, સરદારનગર સર્કલ, મેઘાણી સર્કલ સહિતના અનેક સ્થળોએ બાળકોથી લઈને યુવાનો, કોલેજીયન્સ સમવયસ્ક મિત્રો સાથે બહોળી સંખ્યામાં ઉમટી પડશે જયા ચોતરફ રંગયુધ્ધ ખેલાશે અને ચોતરફ અડધો દિવસ સુધી અવનવા રંગોની છોળો ઉડશે તેના પરિણામે ઉપરોકત સાર્વજનિક સ્થળોના માર્ગોનો રંગ જ જાણે કે બદલાઈ જશે. રંગોત્સવ પર્વને મન મુકીને હરખભેર ઉજવવા માટે બાળકોથી લઈને યુવાનો અવનવા રંગ, પિચકારી, ફૂગ્ગાઓ સહિતની ચીજવસ્તુઓની અંતિમ તબકકાની ખરીદી માટે શહેરના મોતીબાગ, ઘોઘાગેટ, એમ.જી.રોડ, ગોળબજાર તેમજ ગંગાજળીયા તળાવ, ખારગેટ અને આંબાચોક સહિતના વિસ્તારોમાં રંગના વેચાણ માટે ઉભા કરાયેલા ટેમ્પરરી હાટડાઓમાં આખો દિવસ ગ્રાહકોનો ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. તહેવારની છેલ્લી ઘડીએ ધૂમ ખરીદી નિકળતા સીઝનલ વિક્રેતાઓ પણ ખુશખુશાલ જણાયા હતા. હવે ધૂળેટીમાં હર્બલ કલરની ડિમાન્ડમાં ઉછાળો આવ્યો છે.

Image

તળાજાના નવા શોભાવડ ગામે રહેતા યુવક-યુવતીએ સજોડે ગળાફાંસો ખાધો


- જીવ દઈને એક થયા તળાજાના બે યુવા હૈયા

- નજીકના જંગલ જેવા વિસ્તારમાં વૃક્ષની ડાળ પર દુપટ્ટો બાંધી મોત મીઠું કર્યું : પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો  

તળાજા : તળાજા પંથકના નવા શોભાવડ ગામે નજીકમાં જ આવેલ જંગલ જેવા નિર્જન સ્થળે જઇ એક જ દુપટ્ટાની મદદથી એક જ ડાળ પર લટકી જઇ બે યુવા હૈયાઓએ જીવનનો અંત લાવી દીધો હતો. આ બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. 

 ચકચાર મચાવતા બનાવની મળતી વિગતો મુજબ તળાજા નજીક આવેલ નવા શોભાવડ ગામની બાજુમાં નર્સરી આવેલ છે. જેને સાંખડાસર નર્સરી તરીકે ઓળખવામાં આવે છે. એ નર્સરીની આસપાસ અમુક વાડીઓ કાંટાના જંગલ જેવો નિર્જન વિસ્તાર આવેલો છે. અહીં સવારે ૧૦ વાગ્યા બાદ એક માલધારી ભેંસ લઈને આવેલ. તે સમયે બે વ્યક્તિને ગળાફાંસો ખાઈ લટકતા જોઈ જતા બનાવની પોલીસને જાણ થઈ હતી. જેને લઈ દોડી ગયેલ પોલીસને સ્થળ પરથી બે થેલા મળ્યા હતા. જેમાં એકમાં યુવતીનું લિવિંગ સર્ટીફિકેટ, અભ્યાસની માર્કશીટ પરથી યુવતી સ્થાનિક શોભાવડ ગામની જ હોવાનું જાણવા મળ્યું હતું. અહીં લોકો એકઠા થવા લાગતા યુવક પણ સ્થાનિક હોવાનું ખુલવા પામેલ હતું. 

યુવકનું નામ ભાવેશ જહાભાઈ ભાલીયા તેમજ યુવતીનું નામ જયશ્રીબેન નરેશભાઈ રાઠોડ હોવાનું પોલીસને જાણવા મળ્યુ હતું. અહીંથી એવી વાત પણ બહાર આવી હતી કે, બંને વચ્ચે ઘણા સમયથી પ્રેમ સબંધ હતો. જીવતા જીવ એક નહિ થવાય આથી જીવ આપીને એક થવાના કોલ આપી યુવતી સાથે લાવેલ એક જ દુપટ્ટા વડે વૃક્ષની એક જ ડાળીએ લટકી જઈ મોત મીઠું કર્યું હતું.

પોલીસે બંનેના પરિવારજનોને બોલાવી પી.એમ. સહિતની કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Contact Us

Contact Form